વડોદરા-

વડોદરા સેન્ટ્રલ જેલમાં કાચા અને પાકા કામના કેદી તરીકે હત્યા અને બળાત્કાર સહિતના ગંભીર ગુનાઓમાં સજા કાપી રહેલા 7 આરોપી વચગાળાના જામીન મેળવ્યા બાદ ફરાર થઇ ગયા છે. જેને પગલે જેલ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કોરોના વાઈરસની મહામારીને પગલે વડોદરા સહિત રાજ્ય જેલોમાંથી કેદીઓને 60 દિવસના પેરોલ પર છોડવામાં આવ્યા હતા. ગુજરાતની 29 જેલમાં કુલ 17 હજાર જેટલા કેદીઓમાંથી અંદાજે 2 હજાર જેટલા કેદીઓને પેરોલ રજાનો લાભ મળ્યો હતો. રાજ્યની જેલોમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ હોવાથી રોગચાળાને રોકવા માટે સરકારે નક્કી કરેલા નિયમો અંતર્ગત કેદીઓને પેરોલ રજા પૂર્ણ થયા પછી જેલમાં આવવાનું હતું. જાેકે, તેઓ સમય મર્યાદામાં હાજર ન થતા જેલર એન.પી રાઠોડે રાવપુરા પોલીસ મથકે 6 કેદી અને અન્ડર ટ્રાયલ જેલર બી.કે. રાઠવાએ એક કેદી વિરુદ્ધ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કરજણના વાળંદ ફળિયામાં રહેતો કિરીટ પાટણવાડીયા વિરૂદ્ધ કરજણ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો, જાેકે, વચગાળાના જામીન મળ્યા બાદ 7 જુલાઈના રોજ હાજર થવાનું હતું પરંતુ, તે હાજર થયો નથી. વડોદરા જિલ્લાના ડેસર ખાતે આવેલ મોકમપુરા ખાતે રહેતો હરમાનસિંહ પરમાર વિરૂદ્ધ ડેસર પોલીસ સ્ટેશનમાં બિન ઈરાદાપૂર્વક હત્યાનો ગુનો નોંધાયો છે. વચગાળાના જામીન મેળવ્યા બાદ ૬ જુલાઈના રોજ તે હાજર ન હતા જેલરે રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આણંદ જિલ્લાના કંસારી ગામમાં રહેતા જીતુ જાદવ વિરૂદ્ધ બોરસદ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો છે. ૬ જુલાઈના રોજ તેને હાજર થવાનું હતું, પરંતુ, તે હાજર થયો નથી. આણંદ જિલ્લાના રબારી ચકલામાં રહેતા મોજુદ મિયા મલેક વિરૂદ્ધ બોરસદ પોલીસ મથકે બળાત્કારનો ગુનો નોંધાયો છે. 6 જુલાઇના રોજ તેને પરત હાજર થવાનું હતું પરંતુ તે પણ હાજર થયો નથી.