વડોદરા : મધ્યમ અને પછાતવર્ગની મહિલાઓને વગર વ્યાજની લોન આપવાની લાલચ આપી શહેર-જિલ્લામાંથી અનેક મહિલાઓ પાસેથી રૂા.ર૪ કરોડ ઉપરાંતની રકમ ઉઘરાવી લીધા બાદ લોન કે સહાય નહીં આપી ઠગાઈ કરનાર યુનિટી ફાઉન્ડેશનના બે સંચાલકોને પીસીબીએ ઝડપી પાડયા છે. પોલીસે બંને ઠગો પાસેથી રિવોલ્વર અને ઠગાઈનું મોટું સાહિત્ય ઝડપી પાડયું છે. 

મહિલાઓને સરકાર દ્વારા મળતી વગર વ્યાજની એક લાખ રૂપિયાની સહાય અપાવવાની જાહેરાત કરીને રાજ્યભરમાં હજારો એજન્ટો અને સબએજન્ટોની નિમણૂક કરીને કરોડો રૂપિયા ઉઘરાવી લીધા બાદ લોન કે સહાય નહીં આપી ઠગાઈ કરનાર અમદાવાદની યુનિટી ફાઉન્ડેશન કંપનીના ત્રણ સંચાલકો વિરુદ્ધ ઠગાઈનો ભોગ બનેલા એક એજન્ટે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ પીસીબીએ સંભાળી હતી અને ગણતરીના સમયમાં બે ઠગોને ઝડપી પાડયા હતા.

તરસાલી વિસ્તારની શ્રીજી આંગણ સોસાયટીમાં રહેતા ૫૫ વર્ષીય માધવસિંહ રાજપૂતે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે ‘હું બેકરી પ્રોડક્ટનું વેચાણ કરું છું. ગત ડિસેમ્બર, ૧૯માં મારો દાહોદ જિલ્લામાં અલ્પેશ ચરપોટ સાથે પરિચય થતાં તેણે જણાવ્યું હતું કે જાે તમે નિઃસહાય લોકોને મદદ કરવા માગતા હોવ તો વિધવા અને ગરીબ લોકોને સરકાર તરફથી લોન મળે છે તેનું ફોર્મ ૧૭૦૦ રૂપિયામાં મળે છે. જાે તમે લોન અપાવવા માટે ફોર્મ ભરશો તો તમને કમિશન અને પગાર પણ મળશે. અમે આવું કામ કરીએ છીએ અને અનેક લોકોને મોટી રકમની લોન સહાય અપાવી છે તેની વાતની ખાતરી કરવા હું અલ્પેશ સાથે અમદાવાદમાં નવરંગપુરામાં સ્વસ્તિક ચાર રસ્તા પાસે ફેડીલ હાઉસમાં આવેલી યુનિટી ફાઉન્ડેશન કંપનીમાં ગયો હતો જ્યાં મારી સાથે કંપનીના સેક્રેટરી દીપક રમેશ રાજપૂત તથા મેનેજર રામજી આશાભાઈ રાઠોડ અને સંચાલક ભરત બાબુ સોનીએ વાત કરી હતી.

આ ત્રણેએ જણાવ્યું હતું કે જાે કોઈ મહિલા અમારી સંસ્થામાં ૧૭૦૦ રૂપિયાની થાપણ ભરે તો તેને ૧ લાખ સુધીની તબક્કાવાર સહાય અને ત્યાર બાદ એક લાખની વગર વ્યાજે સહાય અપાશે. જેમ વધુ ફોર્મ ભરશો તેમ તેમ એજન્ટોને કમિશન અને પગાર પણ આપીશું. તેઓની વાત સાંભળી ગત નવેમ્બર, ૨૦૧૯થી માર્ચ -૨૦૨૦ના સમયગાળામાં આ કંપનીની ૧૫૦ ફોર્મ મેં જાતે તેમજ મારા હાથ નીચેના ૭ સબએજન્ટોએ વડોદરા તાલુકા-જિલ્લામાં અનેક મહિલાઓ પાસે ફોર્મ ભરાવી એક ફોર્મદીઠ ૧૭૦૦ ઉઘરાવ્યા હતા. આ ફોર્મના પૈસા મળ્યાની કંપનીના સંચાલકોએ માત્ર એક હજાર મળ્યાની નોંધ કરતા હતા અને અમે તેમની પાસે કુલ ૨.૫૫ લાખ જમા કરાવ્યા હતા.

એટલું જ નહીં, યુનિટી ફાઉન્ડેશન સંસ્થા દ્વારા વડોદરા ગ્રામ્ય, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, સંતરામપુર જિલ્લા તેમજ રાજસ્થાનમાં પણ વિવિધ જિલ્લામાં એજન્ટો મારફત મહિલાઓ કે લીએ આર્થિક સહાય કી સંસ્થા કી યોજના હેઠળ ફોર્મ ભરાવી બે હજારથી વધુ મહિલા થાપણદારો પાસેથી આજદિન સુધી કરોડો રૂપિયા ઉઘરાવી લીધા છે અને થાપણદારોને કોઈપણ પ્રકારની તબક્કાવાર એક લાખની લોન આપી નથી’ આ ફરિયાદના પગલે મકરપુરા પોલીસે દીપકસિંહ રમેશ રાજપૂત (ઋતુરાજ ફ્લેટ, પાલડી, અમદાવાદ), રામજી આશાભાઈ રાઠોડ (પાલડી ગામ, વચલો ઠાકોરવાસ, અમદાવાદ) અને ભરત બાબુ સોની (જૈન મર્ચન્ટ સોસાયટી, પાલડી, અમદાવાદ) સામે ગુનો નોંધી તપાસનો દોર અમદાવાદ તરફ લંબાવ્યો હતો.

પીસીબીએ ત્રણ અલગ અલગ ટીમો બનાવી હતી અને વડોદરા, રાજસ્થાનના બાંસવાડા, ઝાલોદ અને અમદાવાદ મોકલી હતી. પોલીસે દીપકસિંહ રમેશસિંહ રાજપૂત અમદાવાદ તેમજ રામજી આશાભાઈ રાઠોડ અમદાવાદને રિવોલ્વર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઝડપાયેલા બંને આરોપીઓ રિવોલ્વર ક્યાંથી લાવ્યા એની પૂછપરછ દરમિયાન કલ્લુરામ મહિડા પાસેથી લીધી હોવાનું જણાવતાં પીસીબીએ એની પણ ગેરકાયદે હથિયાર વેચવાના ગુનામાં ધરપકડ કરી હતી.

ફોર્મદીઠ ૧૭૦૦ ઉઘરાવી ૨૪ કરોડની ઠગાઈ

પીસીબીની તપાસ અને પૂછપરછ દરમિયાન છેતરપિંડીનો આંકડો રૂા.ર૪ કરોડ ઉપરાંત થાય છે. યુનિટી ફાઉન્ડેશન કંપનીએ ૧૭૦૦ રૂપિયા ફોર્મદીઠ ઉઘરાવ્યા હતા અને કુલ ૧,૪૭,૦૦૦ ફોર્મ ૪૩૧ એજન્ટો દ્વારા ઉરાવ્યા હોવાની કબૂલાત ઝડપાયેલા બંને આરોપીઓેએ કરી છે. જેમાં સરકારના નેજા હેઠળની આ કંપની હોવાનું જણાવી ખોટા દસ્તાવેજાે આરોપી બનાવતા હતા અને ફોર્મના રૂપિયા ઉઘરાવી છેતરપિંડી કરતા હતા. બંને આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ અને રાજસ્થાનના બાંસવાડામાં પણ અગાઉ ગુના નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું છે.