વડોદરા, તા.૧૪

વડોદરા શહેરના ગેંડા સર્કલ પાસે લારી ચલાવતા કેટલાક લારીધારકોએ આજે પાલિકા સામે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. કોર્પોરેશની દબાણ શાખાના ત્રાસથી કંટાળીને વેપારીઓએ આજે વડાપ્રધાન મોદીનો ફોટો લગાવી વેપાર ધંધાની શરૂઆત કરી હતી. કહ્યું હતું કે, ‘મોદીજી હવે અમને હેરાનગતિ ન કરવામાં આવે’.તો બીજી તરફ પાલિકાના શાસકો વડાપ્રધાનના ફોટાનો આવી રીતે દુરૂપયોગ સહન કેવી રીતે કરો છો તેવી ચર્ચા હવે ભાજપા વર્તુળોમાં થઈ રહ્યાનુ જાણવા મળે છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા ગેંડા સર્કલ થી પંચવટી સુધીનો રસ્તો સ્માર્ટ રોડ તરીકે વિકસાવવામાં આવ્યો છે.ત્યારે આ રોડ પર પાલિકા દ્વારા લારી ગલ્લા ધારકો માટે નિર્ધારીત જગ્યા ફાળવીને અન્ય સ્થળે થી લારી ગલ્લા, શેડ વગેરેના દબાણો દૂર કર્યા હતા.ગેંડા સર્કલ પાસેથી પણ અનેક વખત લારી ગલ્લાના દબાણો દૂર કરાયા હતા. ત્યારે ગેંડા સર્કલ પાસે વર્ષોથી લારી ચલાવીને ધંધો કરતા નવ જેટલા વેપારીઓએ ગેંડા સર્કલથી ૫૦૦ મીટરથી પણ વધારે દૂર આજે પોતાની લારી લગાવી હતી. ૩૫ દિવસ ધંધો બંધ રહ્યા બાદ આજે પોતાના ધંધાની શરૂઆત કરી હતી અને લારી પર વડાપ્રધાન મોદીનો ફોટો લગાવ્યો હતો.

લારીધારકોએ કહ્યુ હતું કે, વડાપ્રધાન મોદી સારું કામ કરે છે. વિકાસ કરી રહ્યા છે અને અમને મદદ પણ કરે છે. સ્વનિધિ યોજનામાં ૧૦ હજાર રૂપિયા અમને મળ્યા છે. અમે વર્ષોથી ગેંડા સર્કલ પાસે અમારી લારી લગાવીને રોજગારી કરી રહ્યા હતા. જાે કે, કોર્પોરેશન તંત્રએ અમારી લારીઓ ૮ વખત જપ્ત કરી લીધી હતી. જેથી છેલ્લા ૩૫ દિવસથી અમારો ધંધો રોજગાર બંધ થઈ ગયો હતો. જાે કે, હવે અમે ગેંડા સર્કલથી ૫૦૦ મીટર દૂર અમારી લારીઓ લગાવી છે. આજે અમે વડાપ્રધાન મોદીના ફોટો લગાવીને અમારા ધંધા રોજગારની શરૂઆત કરી છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મોદીજી હવે અમને કોઈ હેરાન ન કરે તેવી અમારી માંગણી છે.