27, એપ્રીલ 2025
સુરત, સગીરાઓ સાથે જાતીય દુર્વ્યવહાર તથા બળાત્કારની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહે છે. ડીંડોલીમાં ૧૬ વર્ષની કિશોરી સાથે તો અમરોલીના કોસાડ આવાસમાં ૧૨ વર્ષની માસૂમ બાળકી હવસખોરીનો શિકાર બની હતી. આ બંને કિસ્સામાં સગીરા ગર્ભવતી બનતાં મામલો પ્રકાશમાં આવ્યો અને ફરિયાદ નોંધાવાઇ હતી. બનાવ અંગે ડીંડોલી પોલીસ પાસે મળતી માહિતી અનુસાર નવાગામ વિસ્તારની દીપક નગર વિસ્તારમાં રેખાબેન તેમના પરિવાર સાથે રહે છે. ગીર સોમનાથ જિલ્લાના વતની એવા રેખાબેનની ૧૬ વર્ષ ઉંમરની દીકરી પ્રિન્સી ( નામ બદલ્યું છે)ને નવાગામની તુલસીધામ સોસાયટીમાં રહેતાં કનૈયા ઉર્ફે કનુ દેવારામ રાણાએ ફસાવી હતી. કનૈયો છેલ્લા છ મહિનાથી આ પ્રિન્સીની પાછળ પડ્યો હતો. ફિલ્મી હીરો માફક સતત પીછો કરી આગળ પાછળ ફરતાં રહી તેણે આ સગીરાને ભોળવી હતી. કનુ રાણાએ સગીરાને તાબે કર્યાં બાદ અવાર નવાર ફરવા લઇ જવા માંડ્યો હતો. દરમિયાન છ સાત મહિના અગાઉ એક દિવસ પ્રિન્સીને ડીંડોલીમાં આવેલી ઓયો હોટેલમાં લઇ ગયો હતો. જ્યાં તેણીને પ્રેમ અને લગ્નની વાતોમાં ભોળવી શરીર સંબંધ બાંધ્યો હતો. એ સમયે પ્રિન્સીએ વિરોધ કર્યો પરંતુ કનુએ બળવાપરી તેણી પર હાવી થયો અને હવસ સંતોષી હતી. ત્યારબાદ તે પ્રિન્સીને હોટેલ જ નહીં પરંતુ મિત્ર રોશનના ઘરે લઈ જઈ હવસ સંતોષવા માંડ્યો હતો. અવાર નવાર બળાત્કારના પગલે સોળ વર્ષની પ્રિન્સી ગર્ભવતી બની ગઈ હતી. ગર્ભવસ્થાને લઇ શારીરિક તકલીફો શરૂ થતાં તેણીએ માતાને જાણ કરી હતી. માતા સારવાર માટે હોસ્પિટલ લઇ ગઇ ત્યારે આ સગીરા ગર્ભવતી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તબીબે આ વાત જણાવતા માતા ચોંકી ઉઠી હતી. તેણીએ પૂછતાછ કરતા પ્રિન્સીએ કનૈયા રાણાની કરતૂતો જણાવી હતી. ત્યારબાદ માતા સગીર દીકરી સાથે પોલીસ પાસે પહોંચી અને કનુ સામે ફરિયાદ નોંધાવી હતી. સગીરા સાથે બળાત્કારનો અન્ય એક બનાવ અમરોલી પોલીસ મથકમાં નોંધાયો છે. અહીં કોસાડ આવાસમાં એચ-૦૧ બિલ્ડીંગમાં રહેતાં રબીઉલ શેખે ૧૨ વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી હતી. ગત ફેબ્રુઆરી મહિનામાં મુમતાઝ શેખ ( નામ બદલ્યું છે) દવા લેવા માટે રબીઉલના ઘરે ગઇ હતી. એ સમયે ઘરમાં એખલા રબીઉલે તેણીને અંદર બોલાવી અને બાથમાં ભીડી લીધી હતી. મુમતાઝે પ્રતિકાર કર્યો પરંતુ રબીઉલે તેણીને તાબે કરી લીધી હતી. બળજબરીથી તેણીના કપડા કાઢી રબીઉલે બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. હવસ સંતોષ્યા બાદ રબીઉલે તેણીને આ અંગે કોઇને કશું કહ્યું છે તો મારી નાંખીશ એવી ધમકી આપી હતી. સાથે જ પરિવારને નુકશાન પહોંચાડવાની ચીમકી પણ અપાઇ હોય મુમતાઝ ચુપ રહી હતી. જો કે, બે વખત બળજબરીથી શરીર સંબંધ બાંધવામાં આવ્યો હોય તેણી ગર્ભવતી બની હતી. દરમિયાન પચ્ચીસમી તારીખે તેણીને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. બાળકીએ આ અંગે ફરિયાદ કરતાં માતા શબાના ( નામ બદલ્યું છે) તેણીને સારવાર માટે લઇ ગઇ હતી. ડોક્ટરે ચેક કરતાં આ બાળકી ગર્ભવતી હોવાનું નિદાન થયું હતું. તબીબની વાત સાંભળી શબાનાએ દીકરીને આ અંગે પૂછ્યું ત્યારે તેણીએ રબીઉલની હરકત જણાવી હતી. ત્યારબાદ શબાના પોલીસ પાસે પહોંચી અને ફરિયાદ નોંધાવી હતી.