રાજ્યમાં રસી આપવા ૫૦થી ઉપરના લોકોનો ડેટા બેઝ બનાવાશે
10, ડિસેમ્બર 2020

અમદાવાદ

કોરોના મહામારી વચ્ચે રાહતના સમાચાર એ છે કે, કોરોના વેક્સિન થોડા સમયમાં આવવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. જેથી વેક્સિન આપવા માટે ગુજરાતનાં આરોગ્ય વિભાગે આપેલી સૂચના પ્રમાણે ૫૦થી વધુ ઉંમરની વ્યક્તિઓ અને ૫૦ વર્ષની નીચેની વ્યક્તિઓ કે જેઓ અન્ય રોગ ધરાવતા હોય તેમનો ડેટાબેઝ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. આ ડેટા બેઈઝ તૈયાર કરવા માટે ૧૦થી ૧૩ ડિસેમ્બરના રોજ મતદાન મથકના વિસ્તાર મુજબ વિવિધ સર્વે ટીમો દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે કરી વ્યકિતની ઉંમરથી લઈ તેનો મોબાઈલ નંબર સહિત, તે જાે કોઈ પ્રકારના રોગથી પીડાતો હોય તો એની પણ અલગથી નોંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

૧૪થી ૧૬ ડિસેમ્બર સુધીમાં બે અલગ પ્રકારના ડેટાબેઈઝ તૈયાર કરવા તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેકટર હસ્તકના વિસ્તારો માટે રાજયના આરોગ્ય વિભાગ તરફથી કામગીરી કરવાનો આદેશ અપાયો છે. રાજયના આરોગ્ય કમિશનર તરફથી કોવિડ વેકિસનને અંગે જાહેર કરેલા પરિપત્રમાં પચાસ વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને પચાસ વર્ષથી ઓછી ઉંમરના કોમોર્બિડિટી ધરાવતા (અન્ય બીમારી હોય તેવુ) નાગરિકોના નામ, સરનામા અને મોબાઈલ નંબર સાથેનો ડેટાબેઝ તૈયાર કરવા કહેવામાં આવ્યું છે.

ડેટા બેઈઝ તૈયાર કરાવવા કેન્દ્ર સરકારની ગાઈડલાઈનને અનુસરવાનું રહેશે. મ્યુનિ. હદમાં મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ અધિકારી અને કલેકટરના સંકલનમાં ચૂંટણી સમયે મતદાન મથક મુજબ ટીમની રચના કરવામાં આવશે. એ પ્રમાણે મતદાન મથક મુજબ ડેટા તૈયાર કરવામાં આવશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution