મહેસાણા-

ખેતરમાં ઘૂસી આવતા પ્રાણીઓના આક્રમણથી બચવા માટે વીજતાર લગાવી દેનારા એક ખેડૂતે પોતાની આવી બેદરકારીને પગલે બીજા એક ખેડૂતનો જીવ લીધો હોવાનો કિસ્સો જાણવા મળ્યો છે. 

મળતી વિગતો મુજબ, ઊંઝા તાલુકાના કામલી ગામે ખેડૂત નામે વિષ્ણુભાઈ પોતાના ખેતરે જવા માટે નિકળ્યા હતા અને પત્નીને ચા લઈને જવા માટે કહ્યું હતું. જો કે, નવ વાગ્યાના સુમારે તેમના પત્ની જ્યારે ચા લઈને ખેતરે પહોંચી હતી ત્યારે પોતાના પતિને જમીન પર પડેલા જોઈને તે ચોંકી ગઈ હતી. તેણે પોતાના પુત્રને બોલાવ્યા બાદ વિષ્ણુભાઈને હોસ્પિટલમાં લઈ જતાં ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. વિષ્ણુભાઈની બાજુમાં ખેતર ધરાવતા મનુભાઈના ખેતર પાસેના લાઈવ વીજતારથી કરંટ લાગતાં વિષ્ણુભાઈનું મોત થયાનું જણાયું હતું. મનુભાઈએ ખેતરમાં ભેલાણ કરી જતાં ભૂંડો અને રોઝડા જેવા પ્રાણીઓને ભગાડવા માટે આવા લાઈવ વીજતાર રાખ્યા હતા અને તે માટેનો કરંટ ઈલેક્ટ્રીક મોટરમાંથી આપ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે જઈને સમગ્ર કેસની તપાસ કરીને મનુભાઈની ધરપકડ કરી છે.