જૂનગાઢ, જૂનાગઢના માણાવદરના ભાલેચડા ગામમાં મંદિરના પૂજારીની અર્ધ બળેલી હાલતમાં લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પૂજારીની લાશને પોસ્ટમોર્ટ માટે મોકલી આપી હતી. ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, પૂજારી હરિદ્વાર જવાનું કહીને નીકળ્યા હતા. તેમની લાશ મળતા અનેક તર્ક વિતર્કો વહેતા થયા છે.

મળતી માહિતી જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ભાલેચડા ગામમાં હનુમાનદાદાનું મંદિર આવેલું છે. અહીં છેલ્લા ચાર વર્ષથી પૂજારી સદારામ બાપું રહીને પૂજા કરતા હતા. જાેકે, આજે રવિવારે મંદિરની સામે આવેલાખાલી તળાવમાં શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. કોહવાયેલી અને અર્ધ બળેલી હાલતમાં લાશ મળતા સમગ્ર ગામમાં ચકચાર મચવી જવા પામી હતી. સાથે સાથે ગ્રામ જનોએ પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને લાશનો કબ્જાે લઈને આગળની કાર્યવાહી હાથધરી હતી.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે સદારામ બાપુને કોઈની સામે વાંધો કે તકરાર ન્હોતી અને તેઓ અહીં એકલા જ રહેતા હતા. એટલું જ નહીં તેઓ હરિદ્વાર જવાનું કહીને નીકળ્યા હતા. મંદિરમાં પણ કોઈ ચોરી થઈ ન હતી. આમ કોની સામે કોઈ દુશ્મનાવટ ન હોવાનું જાણવા મળતાં પોલીસે લાશને પેનલ પીએમ માટે જામનગર મોકલી હતી. પોલીસે ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ હાથધરી છે. બીજી તરફ જાણવા મળતી માહિતી પ્રમાણે સદારામ બાપુ મિલનસાર સ્વભાવના હતા અને તેમણે મંદિરનો સારો વિકાસ કર્યો હતો છેલ્લા ચાર વર્ષથી તેઓ અંહીં એકલા જ રહેતા હતા. હરિદ્વાર જવાનું કહીને નીકળેલા સદારામ બાપુની લાશ મળતાં લોકોમાં સનસની ફેલાઈ હતી.