વડોદરા, તા.૫

શહેરના કારેલીબાગ વિસ્તારમાં સતત ત્રણ ચૂંટણીથી મતદાન કરવા માટે ઈચ્છુક ટેમ્પો ચલાવતા આઘેડ મતદાર તંત્રના ચોપડે મૃતક દર્શાવાતા પોતાના મત અધિકારથી વંચિત રહેતા તંત્ર વિરુદ્ધ નારાજગી દર્શાવી હતી. શહેરના રાવપુરા વિઘાનસભા વિસ્તારમાં આવેલા કારેલીબાગ વિસ્તારના જીવિત વ્યક્તિને તંત્રએ મૃત દર્શાવતા સતત ત્રણ ચૂંટણીથી તે મતદાનથી વંચિત રહ્યા છે. અનેક પ્રયાસો છતાં પોતાનો મતાધિકારનો ઉપયોગ ન કરી શકતા તંત્ર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે.કારેલીબાગ રામદેવપીરની ચાલીમાં રહેતા રાજેશભાઈ કાંનજીભાઈ ચાવડા છેલ્લી ત્રણ ચૂંટણીથી પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકતા નથી. જેથી સરકારી લાભો મળવામાં પણ તેમને સમસ્યા સર્જાય છે.