સાધુ ન ભૂખા જાય
28, નવેમ્બર 2024 દ્ગેમુ ભીખુ   |   1089   |  

સાધુ એ એવી વ્યક્તિ છે કે જે પૂર્ણતાએ પહોંચવાની તૈયારીમાં હોય. તેમનામાં દેહભાવ ન હોય પણ તેમનો દેહ હજુ હયાત હોય. ઇન્દ્રિયો તથા તેના વિષયોથી તેઓ અલિપ્ત હોય છતાં પણ તેમની ઇન્દ્રિયો અસ્તિત્વમાં હોય. કશું સાંભળવાની કે જાેવાની તેમની ઇચ્છા ના હોય, છતાં પણ નિયતિ જે દેખાડે તે જાેવું પડે અને જે સંભળાવે તે તેમણે સાંભળવું પડે. કોઈપણ પ્રકારના રસની ઈચ્છા ન હોય તો પણ શરીર ટકી રહે તે પ્રમાણેનું અન્ન પેટને અર્પણ કરવું પડે. શરીર ટકી રહે ત્યાં સુધી આ પ્રકારે અન્નનું અર્પણ પણ એક યજ્ઞ સમાન છે.

અંતઃકરણની પ્રત્યેક અવસ્થા શુદ્ધ થઈ ચૂકી હોય છતાં પણ તેમનું અસ્તિત્વ જળવાઈ રહ્યું હોય. કોઈપણ પ્રકારની અપેક્ષા ન રાખવાની અપેક્ષા હજુ કદાચ જીવંત હોય છે. નિર્વિકલ્પતામાં સરી પડવાની ખેવના હજુ જાગ્રત હોય, અને તે માટેના પ્રયત્નો પણ ચાલુ હોય છે. એમ માનવામાં આવતું હોય કે હજુ પણ કંઈક પ્રાપ્ત કરવાનું બાકી છે. સમાજ માટે કશુંક હકારાત્મક કાર્ય કરવાની પ્રેરણા હજુ પણ શેષ વધી હોય. ક્યારેક શિષ્યો પ્રત્યેનો બાકી રહી ગયેલો લગાવ તો ક્યારેક સમાજ પ્રત્યેના ઉત્તરદાયિત્વ હજુ અપૂર્ણ રહી જવાનો અહેસાસ સાધુ પુરુષનું શરીર ટકી રહેવાનું કારણ બની શકે. સાથે સાથે ઈશ્વરને કે પૂર્ણતાને પામવાના પ્રયત્ન માટે - તેમની સાધના પૂરી કરવા માટે હજુ તેમને દેહની જરૂરિયાત હોય શકે.

હજુ ક્યારેક દેહના અસ્તિત્વનું ભાન થતું હોય. હજુ કેટલાક કર્મ બાકી હશે - કેટલાક પરિણામ મેળવવાના બાકી હશે, તેમ જણાતું હોય. હજુ કેટલાક કર્મફળ ભોગવવાના બાકી રહી ગયા હશે - નહિતર શરીરમાં સચવાયેલા પંચમહાભુતો ક્યારનાય પોતપોતાના મૂળ સ્તોત્રમાં મળી ગયા હોય. હજુ પૃથ્વીને શરીરની માટીની જરૂર નહીં જણાઈ હોય. એકવાર એમ માની લેવામાં આવે કે સાધુ પુરુષનું હવે “સાધુ-લક્ષી” કોઈ કાર્ય બાકી નથી તો પણ નિયતિ દ્વારા નિર્ધારિત આયુષ્ય પણ પૂરું કરવાનું હોય છે. વધેલા શ્વાસ ખર્ચવાના હોય છે. એક સમયે ઈચ્છા ન હોય તો પણ દૈહિક ક્રિયામાં સંમિલિત રહેવું પડે.

તો દેહની જરૂર છે. દેહ માટે ખોરાકની જરૂર છે. ખોરાક માટે પુરુષાર્થની જરૂર છે. પણ ખોરાક માટે પુરુષાર્થ કરવાની તેમની તૈયારી નથી હોતી. પોતાના દેહનું અસ્તિત્વ જાળવી રાખવાનું ઉત્તરદાયિત્વ તેમણે નિયતિને સોંપી દીધું હોય છે. સૂક્ષ્મતામાં જાેતાં જણાશે કે તેમને તો શ્વાસ લેવાનો પુરુષાર્થ પણ નથી કરવો હોતો. શ્વાસ લેવાઈ જાય છે. જ્યાં દેહના પ્રત્યેક ધર્મ પૂરાં થઈ ચૂક્યા હોય ત્યાં તેમના દેહનું ટકી રહેવું એ પણ એક ઈશ્વરની લીલા સમાન ગણાય. ઘણીવાર તો સાધુને એ પણ ખબર નથી હોતી કે હજી દેહ પ્રવૃત્ત છે. છતાં પણ શરીર છે ત્યાં સુધી અન્ન જરૂરી છે. સાધુને આ અન્ન પૂરું પાડવાનું ઉત્તરદાયિત્વ સમાજનું છે. સનાતન સંસ્કૃતિમાં એવા ઉદાહરણો સ્થાપિત થયા છે કે જેમાં સમાજ સંત-મહાત્માના મોઢામાં કોળિયા મૂકે અને તેમનો દેહ ટકી રહે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરે. આ સમગ્ર પ્રક્રિયામાં સમાજનો કોઈ સ્વાર્થ નથી હોતો. સંત-મહાત્માની સેવા કરવી એ પણ ધર્મનું એક અગત્યનું અંગ છે. અને તેથી જ કહેવાય છે કે “સાધુ ન ભૂખા જાય”. આ વાત આગળ વધારતા એમ પણ કહી શકાય કે “સાધુ ન ભૂખા રહે”. અહીં માત્ર આંગણે આવેલા સાધુને અન્ન આપવાની વાત નથી, પણ સાથે સાથે સમાજથી દુરી બનાવી અલિપ્ત રહેતા સાધુને શોધીને તેમને અન્ન આપવાની વાત પણ છે.

સાધુને માત્ર શરીર ટકી રહે તે માટે અને તેટલું જ અન્ય જરૂરી હોય છે. અહીં કોઈપણ પ્રકારની મોટી કે વિવિધતાપૂર્ણ અપેક્ષા નથી. અને તેથી જ સાધુની અપેક્ષિત અન્નની માંગ કોઈપણ પૂરી કરી શકે. જ્યાં સ્વયં ઇશ્વર, શ્રીકૃષ્ણ વિદુરની ભાજીથી તૃપ્ત થયા હોય ત્યાં ઈશ્વરના પ્રતિનિધિ સમાન સાધુ તો ભાજી સમાન અન્નથી તૃપ્ત થાય જ.

કહેવાય છે કે ભૂખ ભૂંડી ચીજ છે. જ્યાં સુધી દેહ હયાત છે ત્યાં સુધી સમયાંતરે ભૂખ જાગ્રત થયા કરે. ભૂખ એટલે અન્નની માંગ. અન્ન દ્વારા જ શરીરનું અસ્તિત્વ અને તેનો અર્થ જળવાઈ રહે છે. જ્યાં સુધી શરીર જીવંત છે ત્યાં સુધી અન્ન જરૂરી છે. અન્નનો ત્યાગ એટલે એક પ્રકારનો આત્મઘાત. સાધુ શરીરનો આ રીતે ઘાત કરવા તૈયાર ન હોય. અન્નનો ત્યાગ કરી પ્રાણમાં પ્રાણને હોમવાની એક વિચારસરણી છે તો શરીરને ટકાવી રાખી વિશ્વના પ્રાણમાં પોતાના પ્રાણ હોમવાની અન્ય વિચારસરણી છે. પરંતુ આ બંનેમાં શરીરનું મહત્વ ઓછું નથી થતું. જ્યાં સુધી જરૂરી છે ત્યાં સુધી સાધુનું શરીર ટકી રહેવું જાેઈએ. તે માટે સમાજે અન્નની વ્યવસ્થા કરવી જ રહી.

વળી અંતે ઉભરતા પરિણામ જાેતા જણાશે કે, આ તો પામવાની વાત છે, આપવાની નહીં. સાચા સાધુને એક ટંકનું અન્ન આપવા સામે આપનારની જાણે આખી જિંદગીનું ભાથું બંધાઈ જાય છે. સાધુની કૃપા, સાધુની કરુણા ચારે તરફ વહેતી જ હોય છે. સાત્વિક ભાવથી, કોઈપણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર જ્યારે સાધુને કંઈ અર્પણ કરવામાં આવે તો તે અનેકગણું થઈ પરત મળતું હોય છે. આ માટે સાધુ દ્વારા કશું કરવામાં પણ નથી આવતું. આ પ્રકારની વ્યવસ્થા તો ઈશ્વરે સ્થાપિત કરી છે. ઈશ્વરને કદાચ સૌથી વધુ ચિંતા સંત મહાત્મા - સાધુની છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution