વડોદરા, તા.૨૦ 

શહેર નજીક દુમાડ ગામ પાસે થતા ટ્રાફિકજામની સમસ્યાનું હવે નિરારણ આવશે. સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા બે વર્ષથી કરાતી રજૂઆતને સફળતા મળી છે અને રૂા. ૫૦ કરોડના ખર્ચે ટ્રાફિક જામની સમસ્યા નિવારવા બે બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરાશે. એક મહિના બાદ શિલાન્યાસ કરી કામગીરી શરૂ કરાશે અને બે વર્ષમાં ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ કરાશે. આજે સાંસદ રંજનબેન ભટ્ટે હાઈવે ઓથોરિટીના અધિકારીઓ સાથે કામગીરી સંદર્ભે જરૂરી ચર્ચા વિચારણા કરી હતી. દુમાડ ગામે સતત થતા ટ્રાફિક જામની સમસ્યા નિવારણ માટે સાંસદ રંજનબેન ભટ્ટે સમયાંતરે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી હતી અને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે દુમાડ ખાતે વધારાના ઓવરબ્રિજને મંજૂરી આપવામાં આવી હતી જે મુજબ સુરત તરફથી આવી એક્સપ્રેસ હાઈવે પર નીચેથી જતા વાહનો માટે તેમજ એક્સપ્રેસ વેથી સુરત તરફ જતા વાહનો માટે સામે બાજુ બીજાે બ્રિજ બનશે. આમ પ૦ કરોડના ખર્ચ વધારાનો બ્રિજ બનાવાશે.

આજે સાંસદ રંજનબેન ભટ્ટે નેશનલ હાઈવે ઓથોરિટી વડોદરાના અધિકારીઓ સાથે બેઠક યોજીને વધારાના ઓવરબ્રિજ નિર્માણની કામગીરીના આયોજનની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચન પણ કર્યા હતા. ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે રૂા.પ૦ કરોડના ખર્ચે આ બ્રિજની કામગીરી બાદ ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે. નવા બનનાર બ્રિજના શિલાન્યાસનો કાર્યક્રમ એક મહિના બાદ કરવામાં આવશે અને બે વર્ષમાં ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ કરી લોકાર્પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, નવા બનેલા હાઈવેના તમામ જંકશનો પર ઓવરબ્રિજ છે પરંતુ દુમાડ પાસે જંકશન પર એક્સપ્રેસ હાઈવે, જૂના હાઈવે, જીએસએફસી વગેરે તરફ જતા વાહનો નીચેથી પસાર થતાં હોઈ અનેક વખત ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે ત્યાર હવે આ ઓવરબ્રિજ બન્યા બાદ મોટાભાગની ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવશે. આમ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા છેલ્લા બે વર્ષથી આ સંદર્ભે કરાતી રજૂઆતોને સફળતા મળી છે અને હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજના ડ્રોઈંગ, ડિઝાઈન સહિતની કામગીરી પૂરી કરવામાં આવી છે.