દારૂની ડિલિવરી કરવા નીકળેલા બુટલેગર પાસેથી પિસ્તોલ મળતા ચકચાર
19, ઓગ્સ્ટ 2020

વડોદરા

વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પાસે સ્કૂટર પર થેલામાં વિદેશી દારૂનો જથ્થો લઈ ડિલિવરી કરવા નીકળેલા બુટલેગરને ક્રાઇમબ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. સ્કૂટીની ડેકીમાં તપાસ કરાતાં પિસ્તોલ મળી આવી હતી. ફતેગંજ પોલીસે રૂપિયા ૩૮,૪૧૫ ની કિંમતના દારૂની ૨૮ બોટલો, રૂપિયા ૧૦ હજારની કિંમતની પિસ્તોલ , સ્કૂટી, તથા મોબાઈલ ફોન સહિત ૬૯,૪૧૫ રૂપિયાની મત્તા કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર વડોદરા શહેરની ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, એક ઈસમ કાળા કલરની સ્કૂટી ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવી ગ્રાહકોને વેચાણ કરે છે, અને હોમ ડિલિવરી આપે છે. હાલમાં તે થેલામાં દારૂ ભરી ડિલિવરી માટે છાણી જકાતનાકાથી પંડ્યા બ્રિજ તરફ જવાનો છે જેના આધારે પોલોસે વોચ ગોઠવી બાતમી મુજબની ગાડી ત્યાંથી પસાર થતા તેને અટકાવી પૂછતાછ કરતા ચાલકે પોતાનું નામ શંકર જાદવ હોવાનું જણાવ્યું હતું. તેની પાસે રહેલા થેલામાંથી વિદેશી દારૂની ૨૮ બોટલો મળી આવી હતી.

સ્કૂટીની ડીકી ચેક કરતા રૂમાલમાં ઢાંકેલી દેશી હાથ બનાવટની માઉઝર પિસ્તોલ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે ૩૮૪૧૫ ની કિંમતનો દારૂનો જથ્થો, ૧૦ હજારની કિંમત ધરાવતી પિસ્તોલ , સ્કૂટી, તથા મોબાઈલ ફોન સહિત ૬૯,૪૧૫ રૂપિયાની મત્તા કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી આ પિસ્તોલ કોની પાસેથી લાવ્યો તેમજ કયા કારણોસર તે પોતાની પાસે રાખી હતી તે અંગે ફતેગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં કોરોના મહામારી છે. માટે આરોપીનો પ્રથમ કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને નેગેટિવ આવ્યા બાદ તેની ધરપકડ થશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution