આણંદ, નડિયાદ : રવિવારે આણંદની જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત તથા છ પાલિકા ઉપરાંત નડિયાદની પાંચ નગર પાલિકા અને આઠ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. એકબાજુ નડિયાદ અને આણંદ પાલિકા ભાજપનો ગઢ ગણાઈ છે. તો સામે જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં કોંગ્રેસનો હાથ ઉપર છે. આ બાજુ તાજેતરમાં જ યોજાયેલી મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપે છએ છ શહેરમાં સત્તા મેળવીને સફાયો બોલાવ્યો છે. સુરત મહાપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જબરદસ્ત દેખાવ કરીને ગુજરાતમાં ધાર્યાં કરતાં મોટું ગાબડું પાડ્યું છે. સુરતમાં કોંગ્રેસેને એકપણ બેઠક મળી ન હતી. આમ આદમી પાર્ટી વિપક્ષ બનીને ઉભરી છે ત્યારે હવે ચરોતરમાં એકબાજુ ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈમાં આમ આદમી પાર્ટીએ ગાબડું પાડ્યું છે. સાથે સાથે કોંગ્રેસ અને ભાજપમાં ટિકિટોની વહેંચણીને લઈને પ્રવર્તેલી નારાજગીને કારણે અનેક બળવાખોરો અપક્ષ ચૂંટણી લડી રહ્યાં હોવાથી એવું કહી શકાય કે, ચરોતરમાં ચતુષ્કોણીય જંગ છેડાશે.