ગુરૂવારે મોડી રાત્રે બે વૈભવી કાર વચ્ચે અકસ્માત થતાં ચાલકોનો આબાદ બચાવ
02, એપ્રીલ 2022

વડોદરા, તા.૧

શહેરના ગોત્રી વિસ્તારનો યશ કોમ્પલેક્સવાળો રોડ અકસ્માત ઝોન તરીકે ઊભરી આવ્યો છે. આ કોમ્પલેકસ નજીક કાર અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. તેના થોડા સમય બાદ ગત મોડી રાત્રે ગોત્રી યશ કોમ્પલેકસ પાસે બે વૈભવી કાર હોન્ડાસિટી અને ઓડી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ગોત્રી પોલીસ દોડી ગઈ હતી અને કારમાલિકો વચ્ચે સમાધાન થતાં પોલીસે કયા કારણોસર અકસ્માત થયો. કારચાલક નશામાં ધૂત હતો કે નહીં વગેરેની તપાસ કર્યા વગર જ ભીનું સંકેલી લીધું હોવાનું જાણવા મળ્યંુ છે.

આ બનાવની વિગત મુજબ શહેરના ગોત્રી રોડ પર આવેલ યશ કોમ્પલેકસ પાસે એક વ્યક્તિ સિટી હોન્ડા કાર લઈને ગતરોજ પૂરઝડપે જઈ રહ્યો હતો, એ દરમિયાન તેને પૂરઝડપે રોડ પર દોડતી કાર પરનો સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર રોડ પરના ડિવાઈડર સાથે અથડાઈને સામેની સાઈડ ઉપર જઈને પલટી ખાઈ ગઈ હતી, એ દરમિયાન જ સામેથી આવતી બીજી એક ઓડી કારને અથડાઈ હતી. જેના લીધે ગોત્રી રોડ પર બે વૈભવી કાર વચ્ચે અકસ્માત થયો હતો.

જાે કે, અકસ્માત દરમિયાન એરબેગ ખૂલી જતાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ બંને કારને નુકસાન થવા પામ્યું હતું. અકસ્માતના બનાવને પગલે ગોત્રી પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કારચાલકો વચ્ચે સમાધાન થતાં પોલીસે કયા કારણોસર અને કેવી રીતે અકસ્માત થયો એ દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જેથી રહસ્યના વમળો સર્જાયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution