અમદાવાદ, દેવભૂમિદ્વારકાના સલાયામાંથી ડ્રગ્સ મળવાના કેસમાં આરોપીના ૯ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આરોપી શહેજાદને પોલીસે ખંભાળિયાની કોર્ટમાં રજૂ કરીને ૧૪ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે દલીલો સાંભળ્યા બાદ આરોપીના ૯ દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા છે. તો બીજી તરફ પોલીસની તપાસ દરમિયાન કુલ ૬૩ કિલો ૧૭ ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. જેની કિંમત ૩૧૦ કરોડ ૯ લાખ ૫૦ હજાર આંકવામાં આવી છે.

મહત્વનું છે કે મહારાષ્ટ્રના શહેજાદની પૂછપરછમાં બે સપ્લાયરના નામ સામે આવ્યા છે. પોલીસે બંને આરોપી ભાઈની અટકાયત કરી છે. સલાયા ગામે સલીમ કારા અને અલી કારાના રહેણાંક ઘરે ડ્રગ્સને સીલ કરવામાં આવ્યું છે. બંને ભાઈ પાસેથી ૪૭ પેકેટ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ ડ્રગ્સ પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે મોકલવામાં આવ્યું હતું. ડ્રગ્સનો જથ્થો સલાયાથી મહારાષ્ટ્ર પહોંચે તે પહેલા જ દ્વારકા પોલીસને ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ બંને આરોપી અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે.

નોંધનીય છેકે આ સાથે જ ગુજરાતમાં વધુ એક ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે. દ્વારકા પોલીસે ૬૬ કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત હાલમાં સાડા ત્રણસો કરોડ કહેવામાં આવી રહી છે. સમુદ્રના રસ્તે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હતું. ત્યાર દ્વારકા પોલીસે તેને ઝડપી પાડ્યું છે.જાે કે ૬૬ કિલો ડ્રગ્સના જથ્થાની કિંમત અંદાજે ૩૧૦ કરોડ ૯ લાખ ૫૦ હજાર જેટલી જણાવવામાં આવી રહી છે. ત્યારે આંતરાષ્ટ્રીય કીમત ૩૫૦ કરોડની હોવાની વાત બહાર આવી છે. જિલ્લાના વાડીનાર અને સલાયા વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસ વડા સુનિલ જાેષીના માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ ઓપરેશન હાથ ધરાયું હતું.

છેલ્લા ૩ દિવસમાં રાજ્યમાં ડ્રગ્સ સામે પોલીસે સકંજાે કસ્યો છે.દેવભૂમિદ્વારકામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. તો છોટાઉદેપુરમાં મંગળવારે ૭૦.૮૬ લાખના ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો હતો. એટલું જ નહિં અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ બુધવારે ૧.૭૦ લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. તો સુરતમાંથી પણ એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો છે. મળતી માહિતી અનુસાર ગુજરાતમાં કુલ રૂ.૩૬૫ કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. દ્વારકામાંથી ઝડપાયેલા ડ્રગ્સ અંગે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. એનસીપી નેતા નવાબ મલિકે ગંભીર આક્ષેપ કરી ગુજરાતીઓનું અપમાન કર્યું છે. નવાબ મલિકે કહ્યું, ગુજરાતમાં ડ્રગ્સનો મોટાપાયે વેપાર ચાલે છે. મુંદ્રા બાદ દ્વારકામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું છે. આ સાથે મંત્રી કિરીટસિંહ રાણા ઉપર પણ ગંભીર આક્ષેપ કર્યો છે. નવાબ મલિકે કહ્યું કે મહારાષ્ટ્રમાં ૨, ૪ ગ્રામ પકડીને પબ્લિસિટી કરવામાં આવે છે પણ ગુજરાતમાં ડ્રગનો મોટો કારોબાર ચાલી રહ્યો છે એવો લોકોને શક છે. ગુજરાતના દ્વારકામાં ૩૫૦ કરોડનું ડ્રગ્સ મળ્યું છે આ એક નવો મામલો સામે આવ્યો છે. ડ્રગ્સ સાથે જાેડાયેલા લોકો અમદાવાદની હોટલમાં રોકાતા હતા. જેમાં મનીષ ભાનુશાળી, સુનિલ પાટીલ સહિતના લોકો અમદાવાદ રોકાઈ ચૂક્યા છે. ડ્રગ્સ કાંડમાં સંડોવાયેલ લોકો કિરીટસિંહ રાણાને શું કામ મળતા હતા. મનીષ ભાનુશાળી, ગોસાવી વારંવાર કેમ ધારાસભ્ય કિરીટસિંહ રાણા પાસે જતા હતા. કિરીટસિંહ રાણા સાથે તેમના શું સંબંધ છે.

સલાયામાં મોડી રાત્રે સર્ચ-ઓપરેશનમાં વધુ ૪૬ કિલો ડ્રગ્સ જપ્ત

ગઈકાલે દ્વારકામાં ૧૭ કિલો ડ્રગ્સ મળી આવતાં હાહાકાર મચ્યો છે, જેને લઈને નાર્કોટિક્સ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. જ્યારે મોડી રાત્રે સલાયામાં અલી અને સલીમ નામના બે શખસનાં ઘરે સર્ચ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં વધુ ૪૬ કિલો ડ્રગ્સનો જથ્થો મળ્યો છે. ૧૭ કિલો પહેલાં અને ૪૬ કિલો મોડી રાત્રે મળીને કુલ ૬૩ કિલો ડ્રગ્સ મળી આવ્યો છે. મુન્દ્રા બંદર પછી હવે દ્વારકામાંથી કરોડોનો નશીલો પદાર્થ ઝડપાતાં ગુજરાતમાં કાયદો અને સુરક્ષાની સ્થિતિ સામે અનેક સવાલ ઊઠી રહ્યા છે. ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે, એની સાથે નશાના કારોબાર અને નશીલા પદાર્થોની હેરાફેરી પણ વધી છે.