કોલકાતા-

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં વ્હીલચેર પર બેસીને રેલી કર્યા બાદ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે પુરુલિયામાં જનસભા સંબોધી. પુરુલિયાના ઝાલદામાં જનસભાને સંબોધતા મમતા બેનર્જીએ ઈમોશનલ કાર્ડ ખેલ્યું અને બધાને એક સાથે આવવાની અપીલ કરતા કહ્યું કે આ લડવાનો સમય છે, સાથે આવો. જાે હું તૂટેલા પગથી લડી શકું છું તો તમે કેમ ન લડી શકો.

મમતા બેનર્જીએ જનસભાને સંબોધતા કહ્યું, તૃણમૂલ કોંગ્રેસની સરકાર રહેશે, તમને મફત રાશન મળતું રહેશે અને અમે તમારા ઘર સુધી રાશન પહોંચાડીશું. તમારે મે બાદ ખરીદી કરવા આવવાનું નથી. તેમણે વધુમાં કહ્યું કે અમારી પાસે એકમાત્ર કાયદો છે, જે ખેડૂતોના જબરદસ્તી જમીન સંપાદનને રોકી શકે છે. અહીં પાણીની કેટલીક સમસ્યા છે પરંતુ અમારી પાસે અનેક યોજના છે અને અમે તેને જલદી ઠીક કરી દઈશું.

જનસભામાં મમતા બેનર્જીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું, ભાજપ સરકારે પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને કેરોસિનના ભાવ વધાર્યા છે. ઉજ્જવલા યોજના અધૂરી રહી ગઈ અને તેમણે કૌભાંડ કર્યું છે. તેમણે કહ્યું, તેમણે જીત બાદ ૧૫ લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. શું તમને પૈસા મળ્યા? મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ અને તેના સહયોગીઓને મત ન આપો. કોંગ્રેસને એક પણ મત ન આપો. ભાજપ-કોંગ્રેસ બધા ભાઈ-ભાઈ છે. મમતા બેનર્જીએ કહ્યું, ટીએમસીનું નેતૃત્વ આટલું નીચે કેમ છે? આ લડવાનો સમય છે, સાથે આવો. જાે હું તૂટેલા પગ સાથે લડી શકું છું તો તમે કેમ ન લડી શકો. તેમણે વધુમાં કહ્યું કે મારા દર્દ કરતા ભયંકર દર્દ જનતાનું દર્દ છે. બંગાળની રક્ષા કરવી પડશે.