લોકસત્તા ડેસ્ક

આજના સમયમાં આંખની નીચે કાળા ડાઘા એટલે કે ડાર્ક સર્કલ્સ થવા સામાન્ય થઈ ગયા છે પરંતુ તે તમારી સુંદરતાને બેરંગ બનાવી દેવા માટે પૂરતાં છે. જો તમે પણ ડાર્ક સર્કલથી પરેશાન હોવ તો આ આર્ટિકલમાં અમે અનેક ઘરગથ્થુ ઉપાયોની વાત કરવાના છીએ. જે તમને આ સમસ્યામાંથી મુક્તિ આપશે.

ડાર્ક સર્કલ થવાના કારણો :

* અનિદ્રા

* થાક

* યોગ્ય ડાયટનો અભાવ

* શરીરમાં જરૂરી પોષક તત્વોને કમી

* વધુ પડતા મેકઅપનો ઉપયોગ

* ત્વચાનું સંક્રમણ

* નાકની એલર્જી

* લેપટોપ, ટીવીનો વધુ પડતો ઉપયોગ

ડાર્ક સર્કલને હટાવવા માટેના ઘરગથ્થુ ઉપાયો :

1) ટમેટા :

દરેક લોકોના ઘરે ટમેટા સરળતાથી ઉપલબ્ધ હોય છે. આમ તો તે જમવામાં સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. આ સિવાય શું તમને ખબર છે ટમેટા ત્વચા માટે પણ ખૂબ જ લાભદાયી છે. ડાર્ક સર્કલ માં પણ તમે ટમેટા ખૂબ કારગર નિવડે છે. આ માટે એક ચમચી ટમેટાનો રસ અને એક ચમચી લીંબુનો રસ લો. બંને રસને મિક્સ કરીને ડાર્ક સર્કલ પર 10 મિનિટ સુધી લગાવી રાખો. જે પછી ઠંડા પાણીથી ધોઈ લેવું.

2) ગુલાબ જળ :

બજારમાં ગુલાબ જળ સરળતાથી ઉપલબ્ધ હોય છે તે ત્વચા માટે ખૂબ જ ફાયદેમંદ સાબિત થાય છે. આંખોના ડાર્ક સર્કલ હટાવા માટે પણ ગુલાબ જળનો ઉપયોગ થઈ શકે છે. ગુલાબજળમાં રૂના પૂમડાં બોળી તેને આંખ નીચે 15 મિનિટ સુધી રાખી મૂકવા અને પછી ઠંડા પાણીથી ધોઈ લો.

3) બદામનું તેલ :

બદામનું તેલ ત્વચા માટે ખૂબ જ લાભદાયી છે. લોકો વર્ષોથી બદામ તેલ નો ઉપયોગ કરી રહ્યા છે. બદામ તેલ માત્ર ત્વચા માટે જ નહી પણ વાળ માટે પણ ખૂબ જ લાભદાયી હોય છે. ડાર્ક સર્કલમાં પણ તે અસરકારક સાબિત થઈ શકે છે. રાત્રે સુતા પહેલા ડાર્ક સર્કલ પર બદામ તેલના ટીપાથી હળવા હાથે મસાજ કરવું. આખી રાત તેને રહેવા દેવું અને પછી વહેલી સવારે ધોઈ લેવું.

4) દૂધ :

દૂધ માત્ર હાડકાઓને મજબૂત નથી કરતું પણ તેના નિયમિત સેવનથી ત્વચામાં પણ‌ ચમક આવે છે. તે તમારા ડાર્ક સર્કલને હળવા કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. આ માટે 1/4 કપ ઠંડા દુધમાં રૂના પૂમડા પલાળી આંખો પર લગાવવા. 15 મિનિટ રાખીને પછી પાણીથી ધોઈ લો.

5) નાળિયેરનું તેલ :

રસોઈ બનાવવાની સાથે વાળ પર લગાવવા માટે પણ નાળિયેર તેલનો ઘણાં વર્ષોથી પ્રયોગ થાય છે. તે અનેક ગુણો તથા પોષક તત્વોથી ભરપૂર છે. રાત્રે સુતા પહેલા આંખ નીચે હળવા હાથે નારિયેળના તેલથી મસાજ કરવું. વહેલી સવારે ધોઈ નાખવું.