દિલ્હી-

બિહારના રાજકારણમાં મહાદલિત વોટબેંક વચ્ચે મોટો ચહેરો ગણાતા શ્યામ રજક સોમવારે રાષ્ટ્રીય જનતા દળમાં સામેલ થઈ ગયાં. તેઓ 11 વર્ષ બાદ આરજેડીમાં આવ્યાં છે. તેજસ્વી યાદવે તેમને આરજેડીની સદસ્યતા અપાવી. નીતિશકુમારની સરકારમાં મંત્રી રહી ચૂકેલા શ્યામ રજકને રવિવારે જેડીયુમાંથી હટાવી દેવાયા હતાં. ત્યારબાદથી અટકળો તેજ હતી કે શ્યામ રજક સોમવારે આરજેડીમાં સામેલ થશે. આ અગાઉ શ્યામ રજકે સોમવારે જ પોતાની વિધાનસભા સદસ્યતા છોડી હતી.

મંત્રી પદેથી હટાવાયા બાદ શ્યામ રજકની સુરક્ષા પણ હટાવવામાં આવી. આ સાથે જ શ્યામ રજકે પોતે જ કહ્યુ કે તેઓ જલદી સરકારી બંગલો છોડશે. આ અવસરે શ્યામ રજકે કહ્યુ કે સૌથી પહેલા હું તેજસ્વી યાદવનો આભાર વ્યક્ત કરું છું. હું આજે મારા ઘરમાં વાપસી કરીને ભાવુક થઈ રહ્યો છું. અમે સામાજિક ન્યાયની લડાઈ માટે રાજકારણમાં આવ્યાં હતાં. અહીંથી ગયા બાદ તે બદલાઈ રહી હતી. મે દર વખતે કોશિશ કરી કે સામાજિક ન્યાયની લડાઈને ચાલુ રાખવામાં આવે. અમારા નેતા લાલુપ્રસાદ યાદવે જ અમને જણાવ્યું હતું કે સામાજિક ન્યાયની લડાઈ લડતા રહેવાનું છે. કારણ કે આ દેશમાં જે ગરીબ છે, પછાત છે, સવર્ણમાં પણ જે ગરીબ છે તેઓ આજે પોતાની જાતને લાચાર સમજી રહ્યાં છે. તેમની સ્થિતિ ખુબ ખરાબ છે. આજે પ્રકારે અપરાધ વધ્યા છે, તે ચિંતાજનક છે. કહલગામમાં દલિત સાથે ૪ લોકોએ રેપ કર્યો પરંતુ તેના પર કોઈ કાર્યવાહી સુદ્ધા થઈ નથી.