રાજકોટ મનપામાં હોદ્દેદારોની વરણી બાદ ભાજપમાં ઉકળતો ચરુ
15, સપ્ટેમ્બર 2023

રાજકોટ,રાજકોટ શહેર ભાજપનું સંગઠન જાહેર થયું ત્યારે ભાજપના જ અસંતુષ્ટોએ કવિતા ફરતી કરી તેમાં પક્ષના સિદ્ધાંતો દૂર થયા અને ચાપલૂસિયાઓને સ્થાન મળતા થયા તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મનપાના પદાધિકારીઓની પસંદગીમાં પણ એવો જ વાદ ચાલશે તેવી ભીતિ દર્શાવી હતી. મંગળવારે પદાધિકારીઓની જાહેરાત થઇ અને તેના ૨૪ કલાકમાં જ કવિતાને સમર્થન આપતો પત્ર ફરતો થયો છે અને ભાજપમાં પદાધિકારી બનવા મોટા મોટા આકાની જીહજૂરી કરો અને હોદ્દા મેળવો તેવો સૂર વ્યક્ત કરવામાં આવ્યો છે.એક પત્ર ફરતો થયો હતો જેમાં અગાઉ જાહેર થયેલી કવિતા કંઇક તો ખામી હશે મુખર્જી અને દીનદયાળજીના બંધારણની રચનામાં જ્યાં ખોટાને શિરપાવ મળે અને સાચા કદ મુજબ વેતરાય જાય છે, તેનો સંદર્ભ ટાંકવામાં આવ્યો હતો, પત્રમાં લખ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં નિમાયેલા મુખ્ય પાંચ પદાધિકારી અને ૧૫ કમિટી નિમાઇ તેમાં અમુક નેતાની નજીક રહેનારાઓને જ હોદ્દા વ્યક્તિગત સ્વાર્થ જાેઇને આપ્યા છે, જે કોર્પોરેટર પ્રજાના કામ કરવાને બદલે મોટા ગોડફાધરના કાર્યાલયે સતત બેસવા જાય છે, જન્મદિવસમાં સાથે ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં મૂકીને આ ગોડફાધરની પ્રશંસા કરે તેવાને જ હોદ્દા આપેલા છે. અગાઉ ફરતી થઇ હતી તે કવિતાને આ ગોડફાધરોએ ચરિતાર્થ કરી છે.પત્રમાં એવો પણ ટોણો માર્યો છે કે, ભાજપની કારોબારી મળે ત્યારે પંડિત દીનદયાળજી જેવા બનવાની, તેમના જેવું વર્તન કરવાની વાતો કરે છે, અને પાછળથી પોતાના કહ્યાગરા હોય તેને જ હોદ્દા આપતા અચકાતા નથી. દીનદયાળજીના સિદ્ધાંતના ‘સ’નું પણ પાલન કરતા નથી. કવિતાકાંડ બાદ પત્રકાંડ થતાં શહેર ભાજપમાં સોપો પડી ગયો છે. પ્રમુખ મુકેશ દોશીએ સબસલામત હોવાનો દાવો કર્યો છે, પરંતુ હકીકત કંઇક અલગ જ છે, કપાઇ જવાના ડરથી આગેવાનો અને કાર્યકરો સમસમીને બેસી ગયા છે.મુખ્ય પાંચ પદાધિકારીની નિમણૂકમાં જેના હાથમાં લાઠી તેની ભેંસ જેવો ઘાટ સર્જાયો છે. બાહુબલિની છાપ ધરાવતાં નેતાઓ પોતાની લીટી લાંબી કરવા લાયક નહોતા તેવાને હોદ્દા આપીને દાવ ખેલી ગયા હતા, જ્યારે ઓછા બોલા નેતાના સદગુણનો ગેરલાભ ઉઠાવી તેમના કાર્યકરોને કાપી નખાતા ધૂંધવાટ શરૂ થયો છે, જે આગામી દિવસોમાં બહાર આવશે તેવાં એંધાણ છે.મનપામાં ભાજપના ૬૮ કોર્પોરેટર ચૂંટાયેલા છે. ૧૫ પેટા સમિતિના ચેરમેન અને મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા, શાસક પક્ષના દંડક સહિત એક બોડીમાં ૨૦ હોદ્દા છે. તે રીતે જાેતા બે ટર્મમાં ૪૦ કોર્પોરેટરને પદ આપી શકાય છે.પ્રથમ ટર્મમાં ડો. દર્શિતા શાહ અને ભાનુબેન બાબરિયા બંને ધારાસભ્ય થયા છે જાેકે ભાનુબેન પાસે ત્યારે પણ કોઇ હોદ્દો ન હતો પણ ડો.શાહને સ્થાને કંચનબેનની વરણી કરાઈ હતી તેઓ છ મહિના જ પદ પર રહ્યા અને ટર્મ પૂરી જાહેર કરાઈ હતી. આ રીતે જાેતા પહેલી ટર્મમાં ૨૧ કોર્પોરેટરને હોદ્દા મળ્યા હતા. બીજી ટર્મમાં નવા ૨૦ને હોદ્દા અપાય તો નો રિપીટ થિયરીને કારણે કુલ ૪૧ને પદ મળે. પણ ભાજપે બધાને નવેસરથી હોદ્દા આપવાને બદલે રિપીટ થિયરી અપનાવી છે.દંડક રહેલા સુરેન્દ્રસિંહ વાળાને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન બનાવાયા છે. આ ઉપરાંત કેતન પટેલ, દિલીપ લુણાગરિયા ભાવેશ દેથરિયા, દેવુબેન જાદવને નવી બોડીમાં પણ ચેરમેન પદ મળ્યું છે. બીજી તરફ ચેતન સુરેજા કે જેઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કોર્પોરેશનના સભ્ય તરીકે નિમ્યા છે તેમને હવે પ્લાનિંગ સમિતિમાં ચેરમેન બનાવ્યા છે. આ ગણિતને કારણે ભાજપના ૨૫ નગરસેવક એવા રહ્યા છે જેમને પાંચ વર્ષના કાર્યકાળમાં કોઇ પણ મહત્ત્વનો હોદ્દો મળ્યો નથી અને ફક્ત કોર્પોરેટર અથવા તો જે તે સમિતિના સભ્ય જ રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution