ગાંધીનગર-

ગુજરાતમાં કોરોના વાયરસની પરિસ્થિતિ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની જનતાને સંબોધન કર્યું છે. જેમાં નવા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. રાજ્યમાં સરકારી, અર્ધ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં પણ 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાના આદેશ કરી દેવાયા છે. મુખ્યમંત્રીએ કહ્યું, વિશ્વભરમાં કોરોના વાયરસના કેસ વધ્યા છે અને ગુજરાતમાં પણ વધ્યા છે. હું દાવા સાથે કહીશ કે, ગુજરાત સરકારે દિવસ રાત જોયા નથી અનેક નિર્ણયો કર્યા છે. સરકાર અને તંત્ર એક વર્ષથી કોરોના વાયરસને પ્રથમ પ્રાથમિકતા આપી છે. ગુજરાત સરકારે તિજોરી ખોલીને જનતાની ચિંતા કરી છે.

1) 14 એપ્રિલ થી અમલમાં આવે તે રીતે લગ્ન સમારંભમાં બંધ કે ખુલ્લી જગ્યામાં 50 થી વધુ વ્યક્તિઓ એકઠા થઇ શકશે નહિ.

2) જે શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં છે ત્યાં કર્ફ્યુ સમયની અવધી દરમિયાન લગ્ન સમારંભ યોજી શકાશે નહિ.

3)મૃત્યુના કિસ્સામાં અંતિમવિધી / ઉત્તરક્રિયામાં 50 થી વધારે વ્યક્તિ ભેગા થઈ શકશો નહીં.

4) જાહેરમાં રાજકીય, સામાજીક, ધાર્મિક કાર્યક્રમો, સત્કાર સમારંભ, જન્મ દિવસની ઉજવણી કે અન્ય મેળાવડા યોજવા પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધિત રહેશે.

5)એપ્રિલ તથા મે માસ દરમ્યાન આવતા દરેક ધર્મના તહેવારો જાહેરમાં ઉજવી શકાશે નહીં તથા જાહેરમાં લોકો એકત્ર થઇ શકશે નહીં.

6)તમામ તહેવારો પોતાની આસ્થા અનુસાર ઘરમાં કુટુંબ સાથે ઉજવવાના રહેશે.

7) સરકારી, અર્ધ સરકારી, બોર્ડ , કોર્પોરેશન તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50% સુધી રાખવાની રહેશે અથવા alternate day કર્મચારીઓ ફરજ પર આવે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.

8) આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં.

9)રાજયના તમામ ધાર્મિકસ્થાનો 30 એપ્રિલ સુધી જાહેરજનતા માટે બંધ રાખવા અપીલ કરવામાં આવે છે.

10) ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા / વિધી ધાર્મિકસ્થાનોના સંચાલકો / પૂજારીશ્રીઓ દ્વારા મર્યાદિત લોકો સાથે કરવામાં આવે તે સલાહભર્યું છે, શ્રધ્ધાળુઓને પણ ધાર્મિસ્થાનોમાં પ્રત્યક્ષ દર્શન ન કરવા જવાની વિનંતી કરવામાં આવે છે.

11) ગૃહ વિભાગના 6 એપ્રિલના દિવસે કરવામાં આવેલા હુકમથી આપવામાં આવેલ અન્ય સુચનાઓ યથાવત રહે છે.

12) આ દરમિયાન કોવિડ સબંધિત અન્ય માર્ગદર્શક સુચનાઓનું દરેક નાગરિકોએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે

13) આ હુકમનું અસરકારક અમલીકરણ સર્વે પોલીસ કમિશ્નર, જિલ્લા મેજીસ્ટ્રેટ તથા જિલ્લા પોલીસવડા દ્વારા કરવાનું રહેશે.