ગાંધીનગર, તા.૧૪

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જસ્ટિસ ઝવેરી આયોગ દ્વારા તેનો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા તેનો ઝડપથી અમલ થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવશે તેમ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી અનામત સંદર્ભે સુપ્રિમ કોર્ટ દ્વારા વર્ષ ૨૦૧૦ માં ચુકાદો અપાયો હતો કે, જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે તે રાજ્યો ઓબીસીની વસ્તી આધારિત અનામત માટેની વ્યવસ્થાની જાેગવાઈ કરવામાં આવે. તેમ છતાં આ ચુકાદાના ૧૦ વર્ષ સુધી ગુજરાત સરકાર દ્વારા તેના પ્રત્યે કોઈ લક્ષ અપાયું ન હતું. પરંતુ ફરી વર્ષ ૨૦૨૧માં જ્યારે સુપ્રિમ કોર્ટ દ્વારા ફરીથી વસ્તી આધારિત અનામત માટેની વ્યવસ્થા કરવા અંગેના આદેશ કર્યા ત્યારે સરકારે તેનો અમલ કરવાના બદલે જુલાઈ-૨૦૨૨માં જસ્ટિસ ઝવેરીના અધ્યક્ષસ્થાને સમર્થિત આયોગની રચના કરવામાં આવી હતી. આ આયોગને તમામ બાબતોનો અભ્યાસ કરીને ૯૦ દિવસમાં રિપોર્ટ આપવા રજૂ કરવા જણાવાયું હતું. પરંતુ આજે આઠ મહિના વીતી ગયા છતાં જસ્ટિસ ઝવેરી આયોગ દ્વારા રિપોર્ટ અપાયો નથી તે અંગે રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આયોગની મુદતને આગામી તા. ૨૧ ફેબ્રુઆરી સુધી લંબાવાઈ છે. ત્યારે જસ્ટિસ ઝવેરી આયોગ તેનો રિપોર્ટ સરકારને સોંપ્યા બાદ સરકાર દ્વારા તેનો ઝડપથી અમલ થાય તેવું આયોજન કરવામાં આવશે.