અમદાવાદ-

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે MD ડ્રગ્સની હેરાફેરીનું રેકેટ ઝડપી પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે મુંબઈથી ડ્રગ્સનો જથ્થો લઈને નીકળેલા આરોપીઓને સીટીએમ એક્સપ્રેસ હાઇવે પાસે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા. પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી રૂપિયા 1.02 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ પકડાયેલા આરોપીઓમાં અમદાવાદનાં એક પોલીસ કર્મચારી હોવાનું સામે આવી રહ્યુ છે. ડ્રગ્સ ડીલર પોલીસ કર્મચારીનો કેરિયર તરીકે ઉપયોગ કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જેના બદલામાં હેરાફેરી કરનાર પોલીસ કર્મચારીને તગડા રૂપિયા આપવામાં આવતા હતા. ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા આ રેકેટમાં ડ્રગ્સની હેરાફેરીનો મુખ્ય આરોપી સરફરાજ તેજાવાલા પણ ક્રાઇમનાં સકંજામાં આવી ગયો છે. અગાઉ પણ સરફરાજ ડ્રગ્સનાં કૌભાંડમાં ઝડપાઇ ચૂક્યો છે. થોડા સમય પહેલા જ ડ્રગ્સ માફિયા સરફરાજ જેલમાંથી છૂટયો હતો. ત્યારબાદ તેણે મુંબઈથી અમદાવાદ લાવવા માટેનાં રેકેટમાં પોલીસને હાથો બનાવીને કૌભાંડ આચર્યું હતું. પરંતુ ક્રાઈમ બ્રાન્ચને કરોડોનાં મોતનાં સામાનની હેરાફેરીની જાણ થઈ જતા અમદાવાદનાં સીટીએમ ચાર રસ્તા પાસેથી કરોડોનાં ડ્રગ્સનાં મુદ્દામાલ સાથે પાંચ આરોપીઓને ઝડપી કાર્યવાહી તેજ કરી છે.