અમદાવાદ-

ગુજરાતમાં કોરોનાના અજગરે ભરડો લીધો છે. રાજ્યમાં હાલ 8 હજાર કરતા પણ વધારે પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. પોઝિટિવ કેસોની સંખ્યામાં એક તરફ વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ હોસ્પિટલમાં બેડની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. સુરત, અમદાવાદ અને રાજકોટમાં મૃત્યુઆંકમાં વધારો થયો છે અને મૃતદેહોને અગ્નિ સંસ્કાર આપવા માટે પણ લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં આપઘાતના કિસ્સાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. કોઈ વ્યક્તિએ આર્થિક સંકડામણમાં આવીને આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. તો કોઈ વ્યક્તિએ કોરોનાથી ડરીને આપઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદમાં આવેલી શારદાબેન હોસ્પિટલને રાજ્ય સરકાર દ્વારા કોવિડ હોસ્પિટલ જાહેર કરી દેવામાં આવી છે અને હાલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. શારદાબેન હોસ્પિટલમાં આજે એક દુર્ઘટના સામે આવી છે. હોસ્પિટલમાં પાંચમાં માળેથી કોરોના પોઝિટિવ દર્દીએ પડતું મુકીને આપઘાત કર્યો હતો. આપઘાત કરનાર દર્દીની ઉંમર 60 વર્ષની હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધાના આપઘાતના પગલે આસપાસના સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા. લોકોએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે આપઘાત કરનાર વૃદ્ધાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.