અમદાવાદ-

દિવાળી તહેવારોના દિવસો બાદ કોરોના વિસ્ફોટને લઇને સમગ્ર તંત્ર દોડાદોડીમાં લાગી ગયું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સમયાંતરે યોજાતી ચિંતન બેઠકના આયોજન પર પણ કાલે અવઢવ સર્જાઈ હતી જેનો નિર્ણય આજે લેવાઈ ગયો છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને પાર્ટીની ચિંતન બેઠકને રદ જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ભાજપમાં સમયાંતરે ચિંતન બેઠક કરવાની પરંપરા છે. જેની અંદર પ્રજાલક્ષી, સંગઠનલક્ષી અને ચૂંટણીલક્ષી મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવતી હોય છે. તા. 21 અને 22 નવેમ્બરે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આ ચિંતન બેઠક યોજાવાની હતી.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત ભાજપના હોદ્દેદારો રહેવાના હતા ઉપસ્થિતઆ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાષ્ટ્રીય સંગઠન મંત્રી વી.સતીશ વિશેષ ઉપસ્થિત રહેવાના હતા. આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સંગઠન પ્રદેશ મહામંત્રી ભીખુ દલસાણીયા અને અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ કોરોનાને કારણે આ બેઠક મુલતવી રાખવામાં આવી છે. કોરોનાનું સંક્રમણ ઓછું થતાં ભવિષ્યમાં આ બેઠકોનું ફરી આયોજન કરાશે. દિવાળીના તહેવારોના કારણે ગુજરાતના મોટા શહેરોમાં કોરોનાની પરિસ્થિતિ વકરી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ 21 અને 22 નવેમ્બરે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને અન્ય ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં યોજાનારી ચિંતન બેઠક રદ કરી છે.