અમદાવાદ-

આજે સવારે પુણેથી 9 અલગ અલગ ફ્લાઇટ મારફત દેશના 13 શહેરોમાં કોરોના વેક્સિન નો પ્રથમ જથ્થો સવારે 5 વાગ્યાથી જ રવાના થયો હતો. પુણેથી સીરમ ઇન્સ્ટિટ્યૂટ ને ઇમરજન્સી ઉપયોગ માટે ની મંજૂરી દેવામાં આવી હતી. આજે દેશના 13 શહરોમાં કુલ 56.5 લાખ કોરોના વેક્સિન નો જથ્થો આવી પહોંચશે, જેમાં દિલ્હી, અમદાવાદ, મુંબઈ, ભુવનેશ્વર, કોલકત્તા, બેંગલોર, ગુવાહાટી, ચેન્નાઇ, પટના, લખનૌ, ચંદીગઢ, વિજયવાડા અને શિલોંગ જેવા શહેરોનો સમાવેશ થાય છે. પુણે થી દિલ્હી પહોંચેલા કોરોના વેક્સિન 'કોવીશિલ્ડ'ના પ્રથમ જથ્થામાં ૩૪ બોક્સ છે જેનું વજન 1088 કિલો છે.

મળતી માહિતી મુજબ કોરોના વેક્સીનના 23 બોક્સ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે. કુલ 2 લાખ 76 હજાર ડોઝ અમદાવાદ આવશે. 735 કિલોગ્રામ રસીનો પહેલો જથ્થો અમદાવાદ પહોંચશે. અમદાવાદ, ભાવનગર, ગાંધીનગર ઝોનમાં વહેંચણી કરાશે. અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન સ્ટોરેજ ખાતે જથ્થો લઈ જવાશે. ગાંધીનગર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જથ્થો લઈ જવામાં આવશે. તો ગાંધીનગરથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રસી પહોંચાડવામાં આવશે. અમદાવાદથી મધ્ય ગુજરાતમાં પહોંચાડીને રસીકરણ થશે. તો બધુ મંગલમય થઈ જાય એ માટે કોલ્ડ સ્ટોરેજના દરવાજા પર આસોપાલવના તોરણ લગાવવામાં આવ્યા છે.