અમદાવાદ-

અમદાવાદ શહેરમાં ગઈકાલે રાતના 9 વાગ્યા થી સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાકનો કર્ફ્યું જાહેર કરવામાં આવ્યો છે કારણ કે અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોમાં એકદમ ઉછાળો જોવા મળી રહ્યો છે, આજે કર્ફ્યુનાં પહેલા દિવસે સવારથી જ રોડ સુમસામ ભાસી રહ્યા છે, દરેક ચાર રસ્તા ઉપર પોલીસ દ્વારા પેટ્રોલિંગ ગોઠવી દેવામાં આવ્યું છે જેનો કડક હાથે અમલ કરાવવામાં આવી રહ્યો છે, બહારગામથી આવતા પ્રવાસીઓની ટીકીટ જોઇને તેઓને શહેરમાં પ્રવેશવાની મંજુરી આપવામાં આવે છે, શહેરના માર્ગો ઉપર કચરો ઉપાડવાની ગાડીઓ સિવાય છુટા છવાયા એક બે વાહન સિવાય કોઈ જોવા મળી રહ્યું નથી. ગઈકાલે જ ગુજરાતના ગૃહ ખાતા દ્વારા આ 57 કલાકના કર્ફ્યુની જાહેરાત કરી દેવામાં આવી હતી, જેમાં બહારગામથી આવતી અને જતી એસટી બસોને શહેરમાં પ્રવેશ નથી આપવામાં આવ્યો તેથી તેઓ પેસેન્જરને અમદાવાદના બાયપાસ રોડ ઉપર ઉતારીને આગળ ચાલી જાય છે ત્યાંથી શહેરમાં પોતાના સ્થાન સુધી પહોચવા માટે સામાન્ય પ્રવાસીઓને ખુબ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં ફક્ત દુધની દુકાનો, દવાની દુકાનો, AMTS બસ સર્વિસ, પેટ્રોલ પમ્પો, ફાર્મા કંપનીઓ, ઇલેક્ટ્રિક અને પાણી સપ્લાય કરતા દરેક વાહનોને શહેરમાં છુટ આપવામાં આવી છે. તેઓ પોતાનું આઈડી કાર્ડ બતાવીને શહેરમાં જવા દેવામાં આવશે. બહારગામથી આવતા વાહનોનું ચેકિંગ પણ કડક હાથે કરવાનું શરુ કરવામાં આવ્યું છે, તેઓના પણ આઈડી પ્રૂફ જોયા પછી શહેરમાં પ્રવેશ કરવા દેવામાં આવે છે. રેલ્વે સ્ટેશને AMTS બસોની વ્યવસ્થા રાખવામાં આવી છે જેના દ્વારા પેસેન્જરોને પોતાના વિસ્તારમાં જવા માટે સહેલાઇ રહે છતા પેસેન્જરોને તેની જાણકારી ના હોવાથી સ્ટેશન ઉપર સોશિયલ ડીસ્ટેન્સીગ નાં ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.