અમદાવાદ-

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા હમણા એક મહિના પહેલાજ ગાંધીનગરના અડાલજની એક હોટલમાં રેડ પાડીને જુગારધામ પકડ્યું હતું, ત્યાં જુગાર રમાડતા નરેશ આહુજાની સાથે કેટલાક જુગારીઓ ઝડપાયા હતા. ત્યારબાદ નરેશ આહુજાએ જામીન લઈને નવરંગપુરામાં સ્ટેડીયમ મોડ પર આવેલા એક કોમ્પ્લેક્સમાં રોજના 2000 રૂપિયાના ભાડાથી દુકાન ભાડે લઈને જુગારધામ શરુ કરવામાં આવ્યું હતું. ફરી એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલને જુગારધામ ની બાતમી મળતા તેમને અમદાવાદના નવરંગપુરામાં આવેલા કોમ્પ્લેક્સમાં દરોડો પાડીને બીજી વાર નરેશ આહુજાને 9 જુગારીઓ સાથે ઝડપી લીધો છે.

જેની દુકાનમાં આ જુગારધામ ચલાવવામાં આવતું હતું તે દુકાન માલિક જીગ્નેશભાઈ પટેલ સાથે દુકાન ભાડે રાખવા માટે કોઈ પણ જાતના કરાર વગર રોજના રૂપિયા 2000 નાં ભાડે દુકાન ભાડે રાખીને નરેશ આહુજા ઉર્ફે સાઈરામ આહુજાએ નવરંગપુરા જેવા પોશ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી જુગારધામ ચલાવતો હતો. પોલીસે તે જ્યારે આ રેડ કરી ત્યારે નવરંગપુરા પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. પોલીસે 9 જુગારીઓ પાસેથી 11 મોબાઈલ, અલગ અલગ કલરના 37000 કોઇન્સ, 67 હજાર રોકડા રૂપિયા અને 4 વાહનો ઝડપી લીધા હતા. 

પોલીસે વધુ પૂછપરછ કરતા પહેલા જે રાજેશ વાણીયો આસ્ટોડીયા વિસ્તારમાંથી ખેલૈયાઓ શોધીને રીક્ષા દ્વારા જુગારધામ ચલાવતા લોકોને ખેલૈયાઓ સ્પલાય કરતો હતો અને તેના સંદર્ભે દરેક ખેલૈયાઓ પાસેથી રૂપિયા 100 લઇ લેતો હતો. તેનું નામ ફરી એક વાર સામે આવ્યું છે. પોલીસ હવે તે રાજેશ વાણીયાને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.