અમદાવાદ: મ્યુ.કો.ના તમામ કાઉન્સિલરોની પ્રથમ બેઠક 10 માર્ચે મળશે
04, માર્ચ 2021

અમદાવાદ-

મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. ત્યારે કોર્પોરેશનના ચૂંટાયેલા તમામ ૧૯૨ કાઉન્સિલરોની પ્રથમ બેઠક ૧૦ માર્ચ બુધવારના રોજ બોલાવી છે. કોરોના મહામારીને પગલે દાણાપીઠને બદલે પાલડી ટાગોર હોલ ખાતે બેઠક યોજાશે. દરમિયાન મેયર, ડેપ્યુટી મેયર સહિતની નિમણૂક થશે.

ભાજપે અમદાવાદ કોર્પોરેશનમાં ફરી સત્તા હાંસલ કરી છે ત્યારે અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી અને ટ્રાન્સપોર્ટ કમિટીના સભ્યોની નિમણૂક માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ચૂંટાયેલા તમામ ૧૯૨ કાઉન્સિલરોની પ્રથમ બેઠક ૧૦ માર્ચ બુધવારના રોજ બોલાવી છે. સામાન્ય રીતે બેઠક એટલે કે પ્રથમ બોર્ડ મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્યાલય દાણાપીઠ ખાતે મળતું હોય છે પરંતુ કોરોના સંક્રમણના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે હેતુથી પાલડી ટાગોર હોલ ખાતે બોલાવવામાં આવી છે.

બુધવારે સવારે ૧૧ કલાકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશકુમારની હાજરીમાં મળનારી આ બેઠકમાં ૪૮ વોર્ડના ચૂંટાયેલા તમામ ૧૯૨ કાઉન્સિરો હાજર રહેશે. તેમની હાજરીમાં મેયર અને ડેપ્યુટી મેયરની જાહેરાત કરવામાં આવશે. ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી અને તેના ચેરમેન, ટ્રાન્સપોર્ટ કમિટીના ૮ સભ્યોની પણ જાહેરાત કરવામાં આવશે. તમામ કાઉન્સિલરોને હાજર રહેવા મ્યુનિસિપલ સેક્રેટરી દ્વારા જાણ કરી દેવામાં આવી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution