અમદાવાદ-

દિવાળીના તહેવારો દરમિયાન કોરોના વાયરસના કેસો વધવાની ચેતવણી કરાઇ છે એવા સમયે જ અચાનક અમદાવાદમાં વટીવટીતંત્રે ફ્રી રેપિડ એન્ટિજન ટેસ્ટિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. ઉપરાંત હાલ તંત્રે આક્રમક કોરોના ટેસ્ટિંગની કામગીરી પણ ઘટાડી દીધી છે. અગાઉ કોઈ વ્યક્તિ અર્બન હેલ્થ સેન્ટર કે રોડ પર લાગેલા ટેસ્ટ કેમ્પમાં જઇ પોતાનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવી શકતા હતા, પરંતુ હવે નવા નિયમ મુજબ કોરોનાના લક્ષણો હોય તેવા લોકોનો જ રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવાનું નક્કી કરાયું છે.

નોંધનિય છે કે, બેવડી ઋતુના કારણે શરદી-ખાંસીના દર્દીઓમાં વધારો થયો છે. બીજી તરફ અગાઉ લોકો ટેસ્ટ કરાવતા ડરતા હતા. તેના બદલે જાગૃતિ આવી હોવાથી ભારે શરદી થાય તો પણ ટેસ્ટ કરાવવા પહોંચી જાય છે. વ્યક્તિને તાવ હોવાનું જણાય તો જ તેનો રેપિડ કરાય છે.જેના કુટુંબમાં પોઝિટિવ કેસ હોય અને લક્ષણો જણાય તેવી વ્યક્તિનું ટેસ્ટીંગ જ કરાય છે. આ ફેરફારથી લોકોના મનમાં એવી શંકા પણ પેદા થઈ છે કે મ્યુનિ. કોર્પોરેશન પાસે રેપિડ ટેસ્ટની કીટ ખૂટવા આવી લાગે છે. 

કેટલાંક વારંવાર બે-પાંચ દિવસે ટેસ્ટ કરાવતા હોવાથી આંગળી ઉપર ચૂંટણીના મતદાન વખતે થાય છે, તેવું શાહીનું નિશાન કરવાનું પણ ચાલુ કરાયું છે. હવે નવી પદ્ધતિ એવી અમલમાં મુકાઈ છે કે ટેસ્ટ કરાવવા આવનારનું થર્મલગનથી પહેલાં ટેમ્પ્રેચર માપવામાં આવશે. આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે આઈસીએમઆરની ગાઈડલાઈન પણ આવી જ છે કે જેમના શરીરમાં કોરોનાના લક્ષણો હોય તેમનો જ રેપિડ ટેસ્ટ કરવો.  અમદાવાદમાં વહીવટીતંત્ર દ્વારા કોરોનાના રેપિડ ટેસ્ટની સંખ્યા ઘટાડાઈ છે, એવી જ રીતે રોડ પર ટેસ્ટ કરી આપતા ૮૫ કેમ્પની સંખ્યામાં પણ ૨૮નો ઘટાડો કરાયો છે.