28, ઓગ્સ્ટ 2020
અરવલ્લી,અંબાજી : પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ભાદરવી પૂનમ-૨૦૨૦ મહોત્સવ પ્રસંગે કલેકટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ સંદીપ સાગલેના હસ્તે ચાચર ચોકમાં યોજાયેલ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો વિધિવત આરંભ કરાયોે હતો. કલેક્ટરે યજ્ઞશાળામાં પૂજન વિધિ કરી માતાજીના આશીર્વાદ મેળવીને મંદિર ઉપર ધજા ચડાવીને સાત દિવસીય મહાયજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. કલેકટરે જણાવ્યું કે, વિશ્વ કલ્યાણ અર્થે માનવજાતના કલ્યાણ માટે તેમજ કોરોના સંકટ દુર થાય તે માટે આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યુ કે, પ્રતિવર્ષ ભાદરવી મહામેળા પ્રસંગે પદયાત્રા દ્વારા અંબાજી આવતા ૧૪૦૦ રજિસ્ટર્ડ થયેલા સંઘોને તેમની લાગણી અનુસાર પૂજા કરેલ માતાજીની ધજાઓ પહોંચાડવામાં આવી છે. કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું કે, આ વર્ષે માઇભક્તો ઘેરબેઠાં માતાજીના દર્શન કરી શકે તે માટે માતાજીની આરતી, દર્શન, ગબ્બર દર્શન વગેરેના લાઇવ- જીવંત પ્રસારણની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, અંબાજીના લોકો અને યાત્રિકોની સલામતિ માટે તા. ૨૪મીથી તા. ૪ સપ્ટે. સુધી મંદિર બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો હતો, પરંતું માઇભક્તોની લાગણી ધ્યાને હવે મંદિર તા. ૩ સપ્ટેમ્બરથી જ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાશે. આ વરસે ભાદરવી પૂનમના મહામેળાનો સમયગાળો તા.૨૭મીથી તા.૨ સપ્ટે. સુધીનો છે પરંતું કોરોનાના લીધે મેળો બંધ હોવાથી આ સમયગાળા દરમ્યાન માઇભક્તો ઘેરબેઠાં જ માતાજીનાં દર્શન કરી શકે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા લાઇવ વેબકાસ્ટીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સમયગાળા દરમ્યાન અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબુક, યુ-ટ્યુબ વગેરે પર સવારે૭.૩૦ વાગ્યાથી દર્શન કરી શકાશે. તા.૨ સપ્ટે. ના રોજ સાંજે-૪.૩૦ વાગે મહાયજ્ઞની પૂર્ણાહુતિ કરાશે. કલેકટર સાગલેએ જણાવ્યું કે ભાદરવી મહામેળા પ્રસંગે અંબાજી ખાતે લાખો યાત્રિકો આવતા હોય છે. ઘણા માઇભક્તો મંદિર પર ધજાઓ પણ ચડાવતા હોય છે.આ વરસે સૌ માઇભક્તો વતી મંદિર પર ધજા ચડાવી છે. આ પ્રસંગે ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડા, નાયબ ઇજનેર ગિરીશભાઇ પટેલ, મંદિરના અધિકારીઓે ઉપસ્થિત રહ્યાં હતાં.