ગાંધીનગર, ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે પોતાના સંસદીય મત વિસ્તાર ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કર્યા હતા. આ ઉપરાંત કેન્સર નિદાન માટેના સર્વે, સ્કેનિંગ અને સારવાર અભિયાનનો પણ પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે તેમના સંસદીય મત વિસ્તાર ગાંધીનગરના કલોલ નગરપાલિકાના રૂ. ૧૭.૯૮ કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કર્યા હતા. આ સાથે શાહે જણાવ્યું હતું કે, કલોલ શહેરના વિકાસ માટે ૧૬ કરોડ રૂપિયા રાજ્ય સરકારના માધ્યમથી મળ્યા છે, જે માટે ગાધીનગરના સંસદ સભ્ય તરીકે રાજ્ય સરકારનો આભારી છું. તેમણે ઉમેર્યું હતું કે, એક કરો઼ડના ખર્ચે અમૃત યોજના તળે શહેરના સરદાર પટેલ બગીચાઓના વિકાસ કરાઇ રહ્યો છે. બગીચાઓમાં નાના-મોટા આનંદ પ્રમોદ કરી શકે છે તેમ જણાવી બગીચાઓની જાળવણી કરવા નાગરિકોને અપીલ કરી હતી.

અમદાવાદ મનપાના રૂ. ૩૦૭ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરાયું

કેન્દ્રીય ગૃહ અમિત શાહે અમદાવાદ મહાનગર પાલિકા ના રૂપિયા ૩૦૭ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત પ્રસંગે જણાવ્યું કે, કોરોના કાળમાં પણ ગુજરાતની વિકાસયાત્રા અટકી નથી કે ધીમી પડી નથી. તેમણે ઉમેર્યું કે, જ્યારે સમગ્ર વિશ્વમાં વિકસિત દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા હતા ત્યારે પણ ગુજરાતમાં વિકાસકાર્યો તેજ ગતિથી આગળ વધી રહ્યા હતા.