વડોદરા

નેશનલ હાઈવે પર મધરાતે મહાદેવ હોટેલ સામેથી પૂરઝડપે પસાર થતા ટેન્કરના ચાલકને અચાનક ઝોકું આવી જતાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેન્કર પલટી ખાઈ ગયું હતું. સદ્‌નસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ પલટી ખાઈ ગયેલા ટેન્કરમાંથી કપાસિયાનું કાચું તેલ ઢોળાઈ ગયું હતું. આમ બેફિકરભર્યું વાહન હંકારી ટેન્કરને નુકસાન પહોંચાડયા બદલ ચાલક સામે મકરપુરા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

ગાંધીધામ ખાતે ચામુંડાનગરમાં રહેતા ઓમપ્રકાશ નારાયણલાલ માલીએ મકરપુરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પોતે ટાટા કંપનીની ટેન્કર ધરાવે છે અને પોતે જ વાહન ચલાવે છે. ગત તા.૧૮ મે ના રોજ મહારાષ્ટ્રના અકોલા ખાતેની એન.કે.પ્રોટિનમાંથી ૩૨ ટન ૯૧૦ કિલો કાચું કપાસિયા તેલ ટેન્કરમાં ભરીને કડી-કલોલ ખાતેની એન.કે.પ્રોટિનમાં ખાલી કરવા નીકળ્યા હતા. તા.૨૩ મે ના રોજ રાત્રે ૩.૩૦ કલાકે ને.હા. નં.૪૮ પર સુરતથી અમદાવાદ તરફ જતા માર્ગ પરથી મારું ટેન્કર પસાર થતું હતું ત્યારે મહાદેવ હોટલ સામે મને અચાનક ઝોકું આવી જતાં સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટેન્કર રોડની સાઈડમાં ઉતરી જતાં પલટી ખાઈ ગયું હતું જેમાં ટેન્કરના ઢાંકણ ખૂલી જતાં ટેન્કરમાં ભરેલું કપાસિયાનું તેલ ઢોળાઈ ગયું હતું. જાે કે, ટેન્કર પલટી ખાતાં ખાલી સાઈડ પર નુકસાન થયું હતું, પરંતુ મને કોઈ ઈજા પહોંચી ન હતી. આમ હાઈવે પર બેફિકરાઈભર્યું વાહન હંકારી ટેન્કરને નુકસાન પહોંચાડનાર ચાલક ઓમપ્રકાશ માલી સામે મકરપુરા પોલીસ મથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાઈવે પર તેલનું ટેન્કર પલટી ખાઈ જતાં સ્થાનિકો વાસણો, ડોલ, પ્લાસ્ટિકની થેલીઓ લઈને ટેન્કર પાસે ધસી આવ્યા હતા અને તેલની લૂંટ ચલાવી હોવાનું જાણવા મળે છે.