આણંદ, તા.૪  

તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે. આગામી દિવસોમાં ગુજરાતમાં વિધાનસભાની ૮ ખાલી પડેલી બેઠકો માટે પેટા ચૂંટણી થવાની છે. ઉપરાંત પાલિકા-પંચાયતોની પણ ચૂંટણીઓ આવી રહી હોવાથી ભાજપે સંગઠનને નવો ઓપ આપવાની કયાવત હાથ ધરાઈ છે. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનો કાર્યકાળ પૂર્ણ થયો છે. છેલ્લાં ઘણાં વખતથી પ્રદેશ માળખાની સાથે સાથે જિલ્લા પ્રમુખોની નિમણૂક પણ અભરાઈએ ચઢી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યની ૮ વિધાનસભાની પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી હોવાથી ભાજપે સંગઠનને તૈયારીઓ શરૂ કરી છે. જુલાઈના અંત સુધીમાં ભાજપ દ્વારા નવાં માળખાની રચના કરવામાં આવે તેવાં અહેવાલ સાંપડ્યા છે. પ્રદેશ પ્રમુખની વરણીની સાથે સાથે જિલ્લા કક્ષાએ ભાજપ દ્વારા નવું માળખું રચાશે.

આણંદ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં ભાજપના પ્રમુખપદ માટે અનેક દાવેદારો મેદાનમાં છે. ત્યારે આગામી દિવસોમાં આણંદ જિલ્લા ભાજપના પ્રમુખપદનો તાજ કોના શીરે અર્થાત પસંદગીનો કળશ કોના ઉપર ઢોળાશે તેનાં પર સૌની મીટ મંડાઈ છે. જિલ્લા પ્રમુખનું પદ મેળવવા માટે કેટલાંક દાવેદારોએ એડીચોટીનું જાર લગાવવાનું શરૂ કરી દીધું છે.

ક્યા પટેલ દાવેદારો મેદાનમાં?

ભાજપમાં શરૂઆતથી જ પક્ષ પર પાટીદારો અને સવર્ણોનું પ્રભુત્વ રહ્યું છે. પક્ષના પ્રમુખ તરીકે પણ પાટીદારોનો દબદબો જાવા મળે છે. પ્રદેશ કક્ષાએ અને આણંદ જિલ્લા કક્ષાએ આ વખતે પાટીદાર પ્રમુખ બને તેવી શક્યતાઓ જાવાઈ રહેલી છે. જિલ્લા ભાજપનો નાથ કોણ બનેશે તેની અટકળો શરૂ થઈ ગઈ છે. ચરોતર પાટીદારોનો પ્રદેશ હોવાથી આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ પદ માટે અનેક દાવેદારો મેદાનમાં છે ?

આ દાવેદારોમાં પટેલ ઉમેદવારોમાંથી જયપ્રકાશ ઊર્ફે બબલભાઈ વાઘજીભાઈ પટેલનું નામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત ખંભાતના માજી ધારાસભ્ય સંજયભાઈ પટેલ, ડભોઉના વિપુલભાઈ પટેલ, પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ, પૂર્વ મંત્રી દિલીપભાઈ પટેલ, મહેશભાઈ પટેલ (વલાસણ), ઈન્દ્રજીત પટેલ (માજી શહેર પ્રમુખ) નામ ચર્ચાતા હોવાનું કહેવાય છે. હવે જાઈએ ભાજપ આ વખતે પાટીદારો પસંદ કરે છે કે નહીં?

ક્યા ક્ષત્રિય દાવેદારો મેદાનમાં છે?

આણંદ જિલ્લા ભાજપના પ્રમુખપદ માટે પટેલ દાવેદારોની સાથે સાથે ક્ષત્રિય દાવેદારો પણ મેદાનમાં છે. આ વખતે ક્ષત્રિયોમાંથી પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયા, રમણભાઈ સોલંકી, જયંતસિંહ ચૌહાણ અને જશવંતસિંહ સોલંકી (જશુભા)નું નામ ચર્ચાઈ રહ્યું છે. જા પાર્ટી દ્વારા ક્ષત્રિયોમાંથી પ્રમુખ નક્કી કરવાનો નિર્ણય લેવાશે તો લાલસિંહ વડોદિયા પર કળશ ઢોળાઈ શકે છે.

કઈ-કઈ ચૂંટણી આવી રહી છે?

રાજ્ય સહિત આણંદ જિલ્લામાં આગામી નવેમ્બર માસમાં કોવિડ ૧૯ની ગાઈડલાઈનના આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. ત્રણ મહિના બાદ જિલ્લામાં આણંદ, પેટલાદ, ખંભાત, ઉમરેઠ અને બોરસદ નગરપાલિકા ઉપરાંત આણંદ જિલ્લા પંચાયત, આણંદ, બોરસદ, ઉમરેઠ, પેટલાદ આંકલાવ, તારાપુર, સોજિત્રા અને ખંભાત તાલુકા પંચાયતની પણ ચૂંટણીઓ યોજાવાની છે. જેને લઈને સંગઠનનું મહત્વ વધી જાય છે. આણંદ જિલ્લામાં ભાજપના પ્રમુખપદની ખુરશી મેળવવા માટે કેટલાંક દાવેદારોએ એડીચોટીનું જાર લગાવી દીધું છે.