ગાંધીનગર/અમદાવાદ, કેન્દ્ર સરકારના કૃષિ વિષયક ત્રણ કાયદાઓને લઈને ખેડૂતો દ્વારા ચાલતા આંદોલનમાં આજે ખેડૂતો દ્વારા દેશમાં ‘ભારત બંધ’નું એલાન અપાયું હતું. જેને કોંગ્રેસ સહિતના વિવિધ રાજકીય પક્ષો અને સંગઠનો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. આ ‘ભારત બંધના એલાનમાં આજે ગુજરાતમાં નહીવત અસર જાેવા મળી હતી. તેમાં પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં ‘ભારત બંધની અસર નહીવત જાેવા મળી હતી. જાે આ બંધના મામલે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓની અટકાયત કરવામાં આવી હતી તો કેટલાક ધારાસભ્યો અને નેતાઓને ગત રાતથી જ નજર કેદ કરવામાં આવ્યા હતા. 

ખેડૂતો દ્વારા અપાયેલા ‘ભારત બંધ’ની અસર રાજ્યના પાટનગર ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં નહિવત જેવી જાેવા મળી હતી. જાે કે, અમદાવાદ શહેરમાં અનેક સ્થળોએ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ દરમિયાનમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં યુનિવર્સિટી ચાર રસ્તા પાસે વિરોધ કરવા એનએસયુઆઇના કાર્યકરો પહોંચ્યા હતા. જ્યાં પાસપોર્ટ ઓફિસ નજીક ટાયર સળગાવી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. આ દરમિયાનમાં એનએસયુઆઇના કેટલાક કાર્યક્રરો દ્વારા ત્રણ બીઆરટીએસ બસ રોકીને તેની ચાવી લઈ નાસી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જાે કે પોલીસે પણ ચાવી લઈને નાસી ગયેલા એનએસયુઆઇના કાર્યકરોને પકડવા દોડાદોડ કરી મૂકી હતી.અમદાવાદ શહેર પોલીસ દ્વારા ‘ભારત બંધ’ને લઈને શહેરમાં બંદોબસ્તની વ્યવસ્થા સઘન બનાવવામાં આવી હતી. જેમાં ત્રણ જેસીપી, ૧૧ ડીસીપી, ૭૦ પીઆઇ, ૨૧૦ પીએસઆઈ અને ૮૦૦૦ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શહેરભરમાંથી ૧૦૦ થી વધુ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી હતી. આ ‘ભારત બંધ’ના પગલે અમદાવાદ પોલીસ દ્વારા અમદાવાદ શહેરના બાપુનગરના કોંગ્રેસના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, દરિયાપુરના ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ, ખાડિયા-જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, એએમસીના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા સહિતના અને અગ્રણીઓને તેમના ઘરમાં નજરકેદ કરાયા હતા. જયારે દાણીલીમડાના ધારાસભ્ય શૈલેશ પરમારને તેના ઘરેથી પોલીસે ડીટેઈન કર્યા હતા. આ ઉપરાંત એએમસીના વિપક્ષના નેતા સહિતના અનેક કોર્પોરેટરોની અટકાયત કરવામાં આવી હતી. ભારત બંધના એલાનના પગલે ગાંધીનગરના પેથાપુરમાં વેપારીઓએ દુકાનો બંધ રાખીને વિરોધ દર્શાવ્યો હતો. પેથાપુર ગામની માર્કેટમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. પેથાપુર વેપારી એસોસિએશન દ્વારા વેપારીઓને બંધ રાખવાની વિનંતીને વેપારીઓ દ્વારા અનુસરવામાં આવી હતી અને દુકાનો બંધ રાખવામાં આવી હતી. જયારે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુર્યસિંહ ડાભી અને કાર્યકરો અલમપર એપીએમસીને બંધ કરાવવા માટે પહોંચ્યા હતા.

રાજ્યમાં બંધનું એલાન નિષ્ફળ ગયું હોવાનો મુખ્યમંત્રી રૂપાણીનો દાવો 

મહેસાણા, મહેસાણા જિલ્લાની પાણી પુરવઠાની રૂપિયા ૨૮૭ કરોડની ૬ યોજનાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે આજે ખાતમૂહર્ત કરાયું હતું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા સહિત સાંસદો અને ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા મુખ્ય નહેર અને ધરોઈ ડેમ આધારિત ૬ યોજના પૂર્ણ થવાથી જિલ્લાના ૩ શહેર અને સતલાસણા, વિસનગર, વડનગર અને ખેરાલુ તાલુકાના ૨૧૪ ગામોની ૭.૯૧ લાખ વસ્તીને પીવાના પાણીનો લાભ મળશે. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા મહેસાણા જિલ્લાની ૬ પાણી પુરવઠાની મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રીની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્તના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિસનગર તાલુકાના ૫૪ ગામો અને ૩ શહેર મહેસાણા, વિસનગર અને ઉંઝા શહેર માટે નર્મદા નહેર પર મોઢેરા ઓફટેટ આધારિત જૂથ પાણી યોજના અંતર્ગત ફેઝ-૧, ફેઝ-૨ અને ફેઝ-૩નું ખાતમૂહર્ત કરવામાં આવ્યું છે. સીએમના હસ્તે મહેસાણામાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું તે પ્રસંગે રૂપાણીએ પોતાનું નિવેદન આપ્યું હતું. ગુજરાતમાં ખેડૂતોના સમર્થનમાં આપવામાં આવેલા ભારત બંધની નહીવત અસર જાેવા મળી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસાણામાં વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમૂહુર્ત દરમિયાન ભારત બંધ વિશે વાત કરી હતી. સીએમ રૂપાણીએ કહ્યુ કે ગુજરાતમાં બંધ નિષ્ફળ ગયો છે.  વિજય રૂપાણીએ જણાવ્યુ કે મે ગઇ કાલે જ કહ્યુ હતું. રૂપાણીએ કહ્યુ કે, બંધનું આહવાન નિષ્ફળ ગયુ છે કારણ કે આ ખેડૂતોની ભલાઇ વિરૂદ્ધ છે. સીએમ રૂપાણીએ ગુજરાતના લોકો, ખાસ કરીને ખેડૂતોને ભારત બંધમાં સામેલ ના થવા માટે આભાર માન્યો હતો. રૂપાણીએ જણાવ્યું હતું કે, મહેસાણામાં પાણી પુરવઠાની રૂ.૨૮૭ કરોડની યોજનાનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. જેમાં બહુચરાજીમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે. ખોટા આંદોલન કરી વિપક્ષ ખેડૂતો અને નાગરિકોને ભડકાવવા નીકળ્યો છે. મારે કોંગ્રેસના લોકોને પુછવાનું છે કે શું તમે ટેકાના ભાવે એક દાણો ખરીદ્યો છે, જવાબ છે ના. કોંગ્રેસના રાહુલ ગાંધીને કોથમીર અને મેથીનો ફર્ક પણ ખબર નથી. ભૂતકાળમાં કોંગ્રેસે આ કાયદો લાવવા વિચાર્યુ જ હતું. કોંગ્રેસ કેમ આંદોલનમાં જાેડાઈ તે નથી સમજાતું. 

ભારત બંધ નળસરોવર પાસે અસામાજિક તત્વોએ એસટી બસ રોકી કાચ તોડ્યા

અમદાવાદ, ખેડૂતોને લઈને અપાયેલા ભારત બંધના એલાનમાં રાજ્યમાં ક્યાંય હિંસક ઘટના બની ન હતી. જાેકે નળસરોવર પાસે અસામાજિક તત્વોએ એસટી બસના કાચ તોડ્યાનો બનાવ બન્યો છે. અમદાવાદ જિલ્લાના અણિયાળ ગામ પાસે ભારત બંધના સમર્થનમાં કેટલાક લોકોએ એસટી બસ રોકી હતી અને બસ પર પથ્થર ફેકંયા જેથી બસના કાચ તોડ્યા હતા. શહેરના વિજય ચારરસ્તા પાસે એએમટીએસ બસની ચાવી લઇ બે શખ્સો ફરાર થઇ ગયા. રૂટ નંબર ૪૬ સરક્યુલર રૂટની બસ વિજય ચાર રસ્તાથી એચ એલ કોલેજ તરફ જતી હતી ત્યારે એક્ટીવા પર આવેલા બે વ્યક્તીઓ દ્વારા તેને અટકાવવામાં આવી. જે બાદ બંને બસમા રહેલી ચાવી લઇ બે લોકો ફરાર થઇ જતા પોલીસ અને એ એમ ટી એસના અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા.  

કોંગ્રેસે ચાર શહેરોમાં ટાયરો સળગાવી રસ્તાઓ બ્લોક કર્યા 

અમદાવાદ, ખેડૂતો છેલ્લા ૧૨ દિવસથી દિલ્હી ખાતે કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન યથાવત રીતે કરી રહ્યા છે, ત્યારે ધરણા અને પ્રદર્શન વચ્ચે આજે એટલે કે ૮મી ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. ત્યારે બીજી તરફ બંધની અસર વહેલી સવારે રાજ્યમાં જાેવા મળી હતી. ઉલ્લેખનીય છે કે કિસાનોએ આપેલા ભારત બંધના પગલે અમદાવાદ જિલ્લા કોંગ્રેસે વહેલી સવારે અમદાવાદ-કંડલા હાઈવે પર પ્રદર્શન કર્યું જ્યારે બીજી તરફ , વડોદરા, ભરૂચ સહિતના હાઈવે પર પ્રદર્શન કર્યું હતું અને તંત્ર ઉઁઘતુ ઝડપાયું હતું. જેમાં અમદાવાદ કંડલાને જાેડતા હાઈવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો. વહેલી સવારે ટાયરો સળગાવી અને આડશો મૂકીને આ હાઇવે બંધ કર્યો. અમદાવાદ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ આ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. વહેલી સવારે કોંગી કાર્યકરો પહોંચી જતા પોલીસ પણ ઉંઘતી ઝડપાઇ હતી. જાે કે બાદમા પોલીસે પહોંચીને કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. ટાયરો સળગાવતા હાઇવે પર વહેલી સવારે વાહનોની કતાર લાગી હતી. કૃષિ બિલના વિરોધ વડોદરા નજીક પણ હાઇવે પર કોંગ્રેસે વહેલી સવારે વિરોધ કર્યો હતો. ખેડૂત આંદોલનના સમર્થનમાં વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા હાઇવે પર ચક્કકાજામ કરાયો હતો. વહેલી સવારે ટાયરો સળગાવી આ વિરોધ કરાયો હતો. ભરૂચ પાસે પણ કોંગી કાર્યકરોએ ટાયર સળગાવી વિરોધ કર્યો છે. અહી પણ દહેજ હાઇવે પર વહેલી સવારે કોંગી કાર્યકરો પહોચી ગયા હતા. જ્યાં હાઇવે પર ટાયર સળગાવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.