કંગના વિરુદ્ધ મુંબઈમાં વધુ એક FIR, બોલી,મને જેલ મોકલવાની પૂરી તૈયારીમાં છે સરકાર
23, ઓક્ટોબર 2020

મુંબઇ 

કંગના રનૌત વિરુદ્ધ મુંબઈમાં વધુ એક FIR ફાઈલ થઇ છે. હવે તેના પર ન્યાયપાલિકા વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ અને અપમાનજનક પોસ્ટ કરવાનો આરોપ લાગ્યો છે. મુંબઈ બેઝ્ડ વકીલ અલી કાશીફ ખાન દેશમુખે અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટમાં તેની ફરિયાદમાં એક્ટ્રેસ પર બે ધાર્મિક સમુદાયો વચ્ચે વિદ્રોહ અને મતભેદ પેદા કરવાનો આરોપ પણ લગાવ્યો છે. 

દેશમુખે ફરિયાદમાં લખ્યું છે કે એક્ટ્રેસની અંદર દેશની વિવિધતા અને કાયદાનું સન્માન નથી. ત્યાં સુધી કે તે ન્યાયપાલિકાની હાંસી ઉડાવે છે. બાંદ્રા કોર્ટે FIRના આદેશ આપ્યા તો કંગનાએ 'પપ્પુ સેના' ટર્મનો ઉપયોગ કરીને ન્યાયપાલિકા વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ અને અપમાનજનક ટ્વીટ કર્યા. આ કેસમાં 10 નવેમ્બરે અંધેરી કોર્ટમાં સુનાવણી થશે. 

કંગનાએ વળતો પ્રહાર કર્યો- હું જેલમાં જવા તૈયાર

કંગનાએ આ બાબતે તેની પ્રતિક્રિયા આપતા લખ્યું કે, 'કેન્ડલ માર્ચ ગેંગ, અવોર્ડ વાપસી ગેંગ જુઓ શું હાલત થાય છે, તમારી જેમ નહીં. મારી સામે જુઓ, મારી જિંદગીનો અર્થ છે, મહારાષ્ટ્રમાં ફેસિસ્ટ સરકાર સામે સાચી લડાઈ લડી રહી છું, તમારા બધા જેવી ફ્રોડ નથી.'

કંગનાએ આગળ લખ્યું કે, 'હું સાવરકર, નેતા બોઝ અને ઝાંસીની રાણી જેવા લોકોને માનું છું. આજે સરકાર મને જેલમાં નાખવાની પૂરી તૈયારી કરી રહી છે, હું જેલમાં જવા અને એ જ બધી દયાજનક ઘટનાઓમાંથી પસાર થવા તૈયાર છું જે મારા પ્રેરણામૂર્તિઓએ વેઠી હતી.'

કંગનાએ આમિર ખાને ટેગ કરી અસહિષ્ણુતા બાબતે ફટકાર્યો છે. તેણે લખ્યું કે, 'જેમ રાણી લક્ષ્મીબાઈનો કિલ્લો તોડી નાખ્યો હતો એમ મારું ઘર તોડી નાખ્યું, જેમ સાવરકર જીને વિદ્રોહ માટે જેલમાં નાખ્યા એમ મને પણ જેલ મોકલવાની પૂરી ટ્રાય થઇ રહી છે, ઇન્ટોલરન્સ ગેંગને જઈને કોઈ પૂછો કેટલા કષ્ટ સહન કર્યા છે તેમણે આ ઇન્ટોલરન્સ દેશમાં?'

10 દિવસમાં કંગના વિરુદ્ધ ત્રીજી FIR

કંગના વિરુદ્ધ 10 દિવસની અંદર આ ત્રીજી FIR ફાઈલ થઇ છે. લગભગ 10 દિવસ પહેલાં ખેડૂતોના અપમાનના આરોપમાં તુમકુર (કર્ણાટક)માં કયાથાસાન્દ્રા પોલીસ સ્ટેશનમાં કંગના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ. તેના વિરુદ્ધ ફરિયાદ કરનાર વકીલ એલ રમેશ નાઈકે યાચિકામાં લખ્યું કે ખેતી સાથે જોડાયેલા બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોને આતંકવાદી કહીને કંગનાએ તેનું અપમાન કર્યું છે.

5 દિવસ પહેલાં કાસ્ટિંગ ડિરેક્ટર અને ફિટનેસ ટ્રેનર સાહિલ અશરફ અલી સૈયદની યાચિકા પર સુનાવણી કરતા બાંદ્રા કોર્ટે એક્ટ્રેસ વિરુદ્ધ FIR ફાઈલ કરવાનો આદેશ આપ્યો હતો. સાહિલ અશરફે એક્ટ્રેસ અને તેની બહેન રંગોલી પર બોલિવૂડમાં ધર્મના નામે ભાગલા પડાવવાનો આરોપ લગાવ્યો છે, મુંબઈ પોલીસે પૂછપરછ માટે કંગનાને 26 ઓક્ટોબર અને રંગોલીને 27 ઓક્ટોબરે બોલાવી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution