ગાંધીનગર, ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ રાજયમાં રાજકીય માહોલ ગરમાયો છે. જેના અંતર્ગતમાં રાજ્યમાં કેન્દ્રીય નેતાઓની અવર જવર વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના પ્રભારી સહિતના નેતાઓની સતત અવરજવરથી ચાલુ થઈ જતાં રાજયમાં વહેલી ચૂંટણી યોજાય તેવા સંકેતો મળી રહ્યાં છે. એટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ આનંદની અચાનક બદલી કરી દેવામાં આવી છે અને તેના સ્થાને નવા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે પી. ભારતીની નિમણૂંક કરાઈ છે. જેના કારણે રાજ્યની વિધાનસભાની ચૂંટણી વહેલી આવે તેવી સંભાવના બળવત્તર બની છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાવા અંગે છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચાઓને લઈને વિવિધ રાજકીય પક્ષના નેતાઓની ગુજરાતમાં અવરજવર વધી ગઈ છે. વહેલી ચૂંટણી યોજાવાની ચર્ચા વચ્ચે ગઇકાલે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા અનુપમ આનંદની બદલી કરી દેવામાં આવી છે. અનુપમ આનંદના સ્થાને રાજ્યના નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે પી. ભારતીની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા આ પગલાંને કારણે રાજ્ય વહેલી ચૂંટણી યોજાવાની ચર્ચાને વધુ બળ મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષ એટલે કે મે-૨૦૨૧માં અનુપમ આનંદને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા હતા. જાે કે એક વર્ષ કરતાં ટૂંકા સમયમાં અનુપમ આનંદને હટાવીને તેમના સ્થાને પી. ભારતીની નિમણૂક કરવામાં આવી છે. જેના કારણે રાજયમાં વિધાનસભાની ચૂંટણી વહેલી આવશે તેવી ચર્ચાને વધુ વેગ મળ્યો છે. આ ઉપરાંત ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં જ જાહેર થઈ શકે છે. કારણ કે, દરેક જિલ્લા કલેક્ટર કચેરીથી સરકારી કર્મચારીઓની વિગતો મંગાવવામાં આવી રહી છે.