સમુદ્ર મંથનમાંથી અપ્સરા રંભા પ્રકટ થઇ હતી, વિશ્વામિત્રના શ્રાપથી પત્થરની મૂર્તિ બની ગઇ હતી
10, જુલાઈ 2020 990   |  

વેદો અને પુરાણોમાં અપ્સરા વિશે ઉલ્લેખવામાં આવ્યું છે. જેના પ્રમાણે ઇન્દ્રની સભામાં પ્રમુખ અપ્સરાઓ રહે છે. તેમાં મુખ્ય રંભા અને અન્ય કૃતસ્થલી, પુંજિકસ્થલા, મેનકા, પ્રમ્લોચા, અનુમ્લોચા, ધૃતાવી, વર્ચા, ઉર્વશી, પૂર્વચિત્તિ અને તિલોત્ત્મા હતી. ઋગ્વેદમાં ઉર્વશી પ્રસિદ્ધ અપ્સરા માનવામાં આવે છે. યજુર્વેદ પ્રમાણે પાણીમાં અપ્સરાઓનો વાસ થાય છે. ત્યાં જ, અથર્વવેદ પ્રમાણે પીપળા અને વડના વૃક્ષ અથવા અન્ય વૃક્ષ ઉપર અપ્સરાઓ રહતી હતી. સામવેદ પ્રમાણે ગાયન, નૃત્ય અને દેવી-દેવતાઓની પૂજા તેમનું મુખ્ય કામ હતું. 

પુરાણોમાં રંભા વિશે ઉલ્લેખવામાં આવ્યું છે કે તે સમુદ્રમંથન દ્વારા પ્રકટ થઇ હતી. ત્યાર બાદ ઇન્દ્રએ રંભાને પોતાની રાજસભામાં સ્થાન આપ્યું હતું. એક પ્રસિદ્ધ કથા પ્રમાણે રંભાએ વિશ્વામિત્રની તપસ્યા ભંગ કરવાની કોશિશ કરી હતી. જેથી ગુસ્સે થઇને વિશ્વામિત્રએ તેને અનેક વર્ષો સુધી પત્થરની મૂર્તિ બની રહેવાનો શ્રાપ આપ્યો હતો. ત્યાર બાદ રંભાએ ભગવાન શિવ-પાર્વતીની પૂજાથી સામાન્ય શરીર પ્રાપ્ત કર્યું.

અપ્સરા રંભાના નામે 2 વ્રત

અપ્સરા રંભાના નામથી જેઠ મહિનાના સુદ પક્ષની તીજનું વ્રત કરવામાં આવે છે. તેને રંભા તીજ કહેવામાં આવે છે. તેને કરવાથી સૌભાગ્ય અને સંતાન સુખ મળે છે અને પતિની ઉંમર પણ વધે છે. આ સિવાય ભગવાન વિષ્ણુની કૃપાથી કારતક મહિનાના વદ પક્ષની એકાદશીએ રંભા એકાદશી વ્રત કરવામાં આવે છે. જે ચાતુર્માસની છેલ્લી એકાદશી હોય છે. જેથી તેનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. આ વ્રત પણ ખાસ કરીને મહિલાઓ માટે છે.

અપ્સરા રંભા સાથે જોડાયેલી ખાસ વાતોઃ-

રંભા પોતાના રૂપ અને સૌંદર્ય માટે ત્રણ લોકમાં પ્રસિદ્ધ હતી.

થોડાં પુરાણોમાં પ્રસિદ્ધ અપ્સરા રંભાનું સ્થાન કુબેરની સભામાં માનવામાં આવે છે.

ઇન્દ્રએ દેવતાઓ પાસેથી રંભાને પોતાની રાજસભા માટે પ્રાપ્ત કરી હતી.

સ્વર્ગમાં અર્જુનના સ્વાગત માટે રંભાએ નૃત્ય કર્યું હતું.

મહાભારતમાં તેને તુરુંબ નામના ગંધર્વની પત્ની જણાવી છે.

રંભા કુબેરના પુત્ર નલકુબેર સાથે પત્ની તરીકે રહેતી હતી.

રાવણ સંહિતામાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, રાવણે રંભા સાથે બળનો પ્રયોગ કરવાની કોશિશ કરી હતી, જેના કારણે રંભાએ રાવણને શ્રાપ આપ્યો હતો.

વાલ્મીકિ રામાયણ પ્રમાણે વિશ્વામિત્રના શ્રાપથી પત્થરની મૂર્તિ બની રંભા એક બ્રાહ્મણ દ્વારા ઋષિના શ્રાપથી મુક્ત થઇ હતી.

સ્કંદપુરાણમાં રંભા શ્વેતમુનિ દ્વારા છોડવામાં આવેલાં બાણથી રંભાને સામાન્ય સ્વરૂપ મળ્યું હતું.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution