અમદાવાદ એક તરફ એવા સમાચાર આવે છે કે ઉદયપુરમાં ચાલતી કોંગ્રેસની ચિંતન શિબિરમાં ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણી માટેનો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે. જેના આધારે કોંગ્રેસ ભાજપ સામે મેદાનમાં ઉતરશે. તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસમાં અત્યારે વિખવાદ ચાલી રહ્યા છે. અત્યારે સૌથી ચર્ચાસ્પદ નામ હાર્દિક પટેલનું છે. અત્યાર સુધી અટકળો ચાલતી હતી કે હાર્દિક કોંગ્રેસથી નારાજ છે. જાે કે હવે તો તેમણે પોતે આ અંગં સ્વીકાર્યુ છે. આવી સ્થિતિમાં હવે ગુજરાત કોંગ્રેસના અન્ય નેતાઓની આ અંગે પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ માટે વારંવાર મીડિયામાં નિવેદન કરી નુકશાન પહોંચાડનારા કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પર કોંગ્રેસના નેતાઓનો ગુસ્સો બહાર આવી રહ્યો છે. ચિંતન શિબિરમાં પરત ફરેલા ગુજરાત કોંગ્રેસના બે પૂર્વ પ્રમુખે હાર્દિક પટેલ અંગે તીખી પ્રતિક્રિયા આપી છે. અર્જુન મોઢવાડિયાએ હાર્દિક લક્ષ્મણ રેખા ઓળંગતા હોવાની અને ભરતસિંહ સોલંકીએ હાર્દિક બધા કરતા મોટો નેતા બની ગયો હોવાનો કટાક્ષ કર્યો હતો.

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયાએ આ વિશે વાત કરતા લક્ષ્મણ રેખા યાદ અપાવી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ પક્ષમાં કોઇને રેલી કરવાની, કાર્યક્રમ કરવાની, પ્રેસ કોન્ફરન્સ કરવાની અને આગળ આવી જવાબદારી લવાની કોઇ ના પાડતું નથી. માટે તમામ લોકોએ લક્ષ્મણ રેખામાં રહેવું જાેઇએ. કોઇ વારંવાર લક્ષ્મણ રેખા ઓળંગે તેનો અર્થ એ થાય છે કે તેમને કામ કરવું નથી. હાર્દિકને જે જવાબદારી મળી છે તે નિભાવવી જાેઇએ અને લાખો કાર્યકર્તાઓની અપેક્ષા પૂરી કરવી જાેઇએ. તેના બદલે કોઇ વારંવાર પાર્ટીને કે કાર્યકર્તાઓને જવાબદાર ઠેરવે તે વાત ક્યારેય સ્વીકારી ના શકાય.તેમણે આગળ કહ્યું કે કોંગ્રેસ પક્ષ દરેકને સુધારવાનો મોકો આપે છે, પણ લક્ષ્મણ રેખામા ના રહે તો પક્ષ કાર્યવાહી કરે છે. કોંગ્રેસ કામ કરવા કે આગેવાની કરવા માટે કોઈ રોક્તું નથી.