આજવા રોડ એકતાનગરમાંથી આશરે ૩૦૦ શંકાસ્પદોને ચાલતા પોલીસ સ્ટેશન લઈ જવાયા
27, એપ્રીલ 2025

વડોદરા, ગેરકાયદે બાંગ્લાદેશ ઘુસણખોરો સામેની ઝૂંબેશના ભાગરૂપે વડોદરા પોલીસે આજે આજવા રોડના એકતા નગરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ. જે દરમિયાન ૧૦૦ મહિલાઓ અને ૨૦૦ પુરુષો શંકાસ્પદ જણાતા તમામનું ડિટેલ વેરિફિકેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. જેમાં ત્રણ બાંગ્લાદેશી હોવાનુ પુરવાર થતા તેઓને ડિટેઈન કરવામાં આવ્યા હતા. પોલીસની ટીમે આજે એકતા નગરથી શંકાને આધારે પકડેલા તમામને એકસાથે ચાલતા-ચાલતા બાપોદ પોલીસ મથકે લઈ જવાની કાર્યવાહી કરી હતી. એકસાથે આટલા બધા લોકોને પોલીસના બંદોબસ્ત સાથે પોલીસ મથક સુધી લઈ જવાતા સમગ્ર વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઈ હતી. શંકાસ્પદોને શોધવા માટે બાપોદ પોલીસ, ક્રાઈમ બ્રાંચની ટીમ, પાણીગેટ અને સિટિ પોલીસ મથકના જવાનો અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા. પોલીસે લગભગ ૩૦૦ લોકોનું ડિટેલ વેરિફિકેશન હાથ ધર્યું હતુ. જે દરમિયાન તેઓને અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં શિફ્ટ પણ કરવામાં આવ્યા હતા. એકતા નગરમાંથી વેરિફિકેશન માટે લવાયેલા ૩૦૦ જણામાંથી કેટલા બાંગ્લાદેશી છે ? તે હજી સુધી જાણી શકાયુ નથી. અલબત્ત, પોલીસે તમામનું વેરિફિકેશન કરીને તેમાંથી કેટલા ગુનેગાર છે તેની પણ જાણકારી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, ઘડિયાળી પોળમાં દાગીનાનું કામ કરતા કારીગરોમાંથી કેટલાક શંકાસ્પદ હોવાનુ પોલીસને જાણવા મળ્યુ છે. ઉપરાંત, શહેરની જુદીજુદી હોટલો અને રેસ્ટોરાંમાં કામ કરતા શ્રમજીવીઓમાંથી પણ કેટલાક બાંગ્લાદેશી હોવાનુ પોલીસનું માનવુ છે.

તુલસીવાડીમાંથી પકડાયેલા બાંગ્લાદેશીઓ નોર્થ-ઈસ્ટ બૉર્ડર પરથી ભારતમાં ઘૂસ્યા હતા

તુલસીવાડીમાંથી પકડાયેલા પાંચ બાંગ્લાદેશી નાગરિકોની પોલીસે પુછપરછ શરૂ કરી છે. પ્રાથમિક પુછતાછમાં પોલીસને જાણવા મળ્યુ હતુ કે, પાંચેય બાંગ્લાદેશી નાગરિકો ભારતના નોર્થ-ઈસ્ટ રાજ્યોમાંથી ઘુસ્યા હતા. જેથી વડોદરા પોલીસની એક ટીમ ત્રિપુરા, આસામ અને મિઝોરમ જેવા રાજ્યોમાં તપાસ માટે રવાના થશે. બીજી તરફ પાંચેય બાંગ્લાદેશી નાગરિકો વડોદરાની તુલસીવાડીમાં કેવી રીતે પહોંચ્યા ? તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. બાંગ્લાદેશી નાગરિકોને વડોદરામાં સેટલ કરવા માટે કોઈ ચોક્કસ નેટવર્ક ચાલે છે કે કેમ ? તેની તપાસ પોલીસ કરી રહી છે.

ભારતમાં ઘૂસણખોરી આસાન

ભારતમાંથી બાંગ્લાદેશમાં જવુ અને બાંગ્લાદેશમાંથી ભારતમાં આવવુ ખુબ જ સરળ અને આસાન છે. બાંગ્લાદેશમાંથી ભારત આવવા માટે અલગ-અલગ રસ્તા છે. ઘુસણખોરી માટે જે રસ્તો સલામત હોય તેનો રેટ વધારે હોય છે. સામાન્ય રીતે બાંગ્લાદેશી નાગરિકો ભારતમાં પ્રવેશવા માટે પશ્ચિમ બંગાળની બોર્ડરનો ઉપયોગ કરતા હોય છે. બાંગ્લાદેશીઓ માટે પશ્ચિમ બંગાળનો માલ્દા, ૨૪ પરગણા, મિર્શિદાબાદ, દિનેશપુર અને નવબાદગંજ જિલ્લો ભારતમાં ઘુસણખોરી માટે અગ્રેસર છે. ગઈકાલે વડોદરામાંથી ઝડપાયેલા પાંચ બાંગ્લાદેશીઓ દેશના ઈસ્ટર્ન કોસ્ટ એટલે કે, નોર્થ-ઈસ્ટના રાજ્યોની બોર્ડર પરથી ભારતમાં પ્રવેશ્યા હતા.

તુલસીવાડી જેવા ગીચ અને ગરીબ વિસ્તારમાં બાંગ્લાદેશીઓ ઘણાં સમયથી રહેતાં હતાં

તુલસીવાડી જેવા ગીચ અને ગરીબ વિસ્તારમાં કોઈનું ધ્યાન નહીં પડે તેવી ધારણા સાથે બાંગ્લાદેશી નાગરિકો અહીં આવ્યા હતા. કેટલાક લોકોએ નજીવા આર્થિક લાભ માટે પોલીસ વેરિફિકેશન વિના પાંચેયને રહેવા માટે ભાડે મકાન આપ્યુ હતુ. વડોદરામાં વસવાટ મળ્યા પછી બાંગ્લાદેશી નાગરિકો નાની-મોટી રેસ્ટોરાંમાં કામ કરતા હતા. ઓછા પગારે માણસ મળતા હોવાથી રેસ્ટોરાંના માલિકો પણ એમની જાણકારી પોલીસને આપતા ન હતા. તેને લીધે તમામ ધીરેધીરે કરીને વડોદરામાં સેટલ થઈ ગયા હતા. હાલમાં તેમને સપોર્ટ કરનારા લોકલ રિસોર્સીસની પોલીસે પુછપરછ કરી છે. ખાસ કરીને એમને રહેવા માટે મકાન આપનારા લોકોને પોલીસે પુછપરછ માટે બોલાવ્યા છે.

વડોદરામાં બાંગ્લાદેશી છૂપાયો હોય તો પોલીસને જાણ કરજાે

ગેરકાયદે ઘુસણખોરો રાષ્ટ્રિય સુરક્ષા માટે ખતરો બની શકે છે. જેથી આવા તત્વોને તાત્કાલિક ઝડપી પાડીને એમને ડિટેન્શન સેન્ટરમાં ધકેલી દેવા જાેઈએ. આ મામલે એક નાગરિક તરીકે પોલીસની મદદ કરવાની આપણી બધાની ફરજ છે. શહેરના કોઈપણ વિસ્તારમાં રહેતા ગેરકાયદે ઘુસણખોર અંગે કોઈને માહિતી મળે તો તેણે નૈતિકતાના આધારે પણ પોલીસને આ બાબતની જાણ કરવી જાેઈએ. વડોદરા પોલીસે શહેરના તમામ નાગરિકોને અપીલ કરી છે કે, જાે તમારા ધ્યાનમાં કોઈ બાંગ્લાદેશી અથવા પાકિસ્તાની ઘુસણખોર આવે તો તેની તાત્કાલિક જાણ પોલીસને કરવી, તેવું શહેર પોલીસ કમીશનર નરસિંમ્હા કોમરે જણાવ્યું હતું. રાષ્ટ્રિય સુરક્ષા માટે બાંગ્લાદેશીઓની જાણકારી પોલીસને આપવી અનિવાર્ય છે અને શહેરના દરેક નાગરીકો પોતાની રાષ્ટ્ર પ્રત્યેની ફરજ નિભાવવી જાેઈએ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution