અમદાવાદ, થલતેજની કરોડો રૂપિયાની જમીન હડપી લેવાના કેસમાં સોમેવશ્વરદર્શન સહકારી મંડળીના હોદ્દેદારો પોપ્યુલર બિલ્ડર રમણ ભોળીદાસ પટેલની ધરપકડ કરવામાં આવી છે. રમણ પટેલના મળતીયાઓ વિરુદ્ધ પણ આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રમણ પટેલ અને તેના મળતીયાઓએ મૂળ માલિકની જમીનની વેચાણ નોંધ રેવન્યૂ રેકર્ડમાં પતિ-પત્ની વચ્ચે થયેલા વેચાણ દસ્તાવેજની આડમાં પડાવી હોવાની ફરિયાદ થઈ હતી. આ રીતે આરોપીઓ જમીન હડપીને બેઠા હતા. 

પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર્સ સામે વસ્ત્રાપુરમાં ત્રણ, સોલામાં ત્રણ અને આનંદનગરમા એક ફરિયાદ સહિત કુલ ૭ પોલીસ ફરિયાદ નોંધાઇ ચૂકેલ છે. પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની સોલા પોલીસે ધરપકડ કરી છે. થલતેજમાં જમીન પચાવાના કેસમાં પોપ્યુલર બિલ્ડર રમણ ભોળીદાસ પટેલ વિરૂદ્ધ ફરિયાદ થઇ હતી. જેમા પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી તેની ધરપકડ કરી લીધી છે. આરોપી રમણ પટેલે દસ્તાવેજ વિના ટ્રસ્ટના નામે જમીન કરાવી પડાવી હતી. આ કેસમાં રમણ પટેલ સહિત ૪ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. થલતેજ ગામમાં આંબલી વાસમાં રહેતા વૃદ્ધ ખોડાજી વિસાજી ઠાકોરે સોલા પોલીસ સ્ટેશનમાં આરોપી સોમેશ્વરદર્શન ખેતી સહકારી મંડળીના હોદ્દેદાર રમણ ભોળીદાસ પટેલ, સંદીપ કેશવલાલ પ્રજાપતિ, પરષોત્તમ રેવનદાસ, કાનજી રેવનદાસ, પ્રભુ રેવનદાસ અને રેવનદાસ કહરાભાઈ અને અન્યો વિરુદ્ધ ફરિયાદ કરી હતી.