વડોદરા : સમતા રોડ પર આવેલી બેંકમાં ટપાલ આપવા માટે ગયેલા પોસ્ટમેને બેંક બહાર મુકેલી પોતાની સાઈકલ જેની પર લટકાવેલા બે થેલામાં ટ્રાફિક પોલીસના દંડના ચલણો, પાસપોર્ટ અને અન્ય મહત્વના કાગળો હતા તેની ચોરી કરીને ફરાર થતા પોસ્ટખાતાના કર્મચારીઓમાં દોડધામ મચી હતી. આ બનાવની પોસ્ટમેને ગોરવા પોલીસને જાણ કરતા જ પોલીસે ચોરીની ગંભીરતા જાેતા જ આ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફુટેજથી ફરાર તસ્કરની શોધખોળ હાથ ધરી છે.  

પાદરા તાલુકાના મુજપુર ગામમાં રહેતા ૫૭ વર્ષીય અબ્દુલભાઈ ભીખાભાઈ ઘાંચી છેલ્લા ૨૨ વર્ષથી સુભાનપુરા પોસ્ટઓફિસમાં ટપાલી તરીકે ફરજ બજાવે છે. ગત ૪થી તારીખે તે રાબેતા મુજબ તેમની સાયકલ લઈને પોસ્ટઓફિસથી લીલા રંગના બે થેલામાં ટપાલોનો ઢગલો લઈને તેને પહોંચાડવા માટે નીકળ્યા હતા. બપોરે પોણા બે વાગ્યાના અરસામાં તે સમતા ચાર રસ્તા પાસે આકાર કોમ્પ્લેક્સમાં આવેલી એસબીઆઈ બેન્ક પાસે તેમની થેલા લટકાવેલી સાયકલ મુકી હતી અને બેન્કમાં ટપાલ આપવા માટે ગયા હતા. ટપાલ આપી તે બેન્કની બહાર આવતા તેમને ચોંકાનવારી જાણ થઈ હતી કે તેમના સાયકલની ચોરી થઈ છે. ટપાલોના થેલા લટકાવેલી સાયકલની આસપાસમાં તપાસ કરી પરંતું તેનો કોઈ પત્તો નહી લાગતા તેમણે આ બનાવની ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદમાં જણાવ્યું હતું કે સાયલક પર લીલા રંગને બંને થેલામાં ૪ એટીએમ કવર, જન્મમરણના દાખલા, ૧૨ એલઆઈસીના કવર, ૩ ડ્રાઈવીંગ લાયસન્સના કવરસ ૧ પાસપોર્ટ, ૨ આરસીબુક, ૧૫ ટ્રાફિક પોલીસે કરેલા દંડના ચલણ, ૩ સરકારી ઓફિસના કવર, ૭ હજારનો એક સરકારી મોબાઈલ ફોન અને એક બાયોમેટ્રીક ફીંગર પ્રિન્ટનું સ્કેનર સહિત ૧૨ હજારની મત્તા હતી. તસ્કર અસલ દસ્તાવેજાે સહિતના થેલાની ચોરી કરી ગયો હોવાની જાણ થતા ગોરવા પોલીસે ચોરીનો ગુનો નોંધી સમતા વિસ્તારમાં આવેલી વિવિધ સ્થળોના સીસીટીવી કેમેરાના ફુટેજની ચકાસણી શરૂ કરી છે.