જૂનાગઢના વિવિધ ધાર્મિક સ્થળોએ અષાઢી બીજની સાદગીપૂર્વક ઉજવણી કરાશે
09, જુલાઈ 2021

જૂનાગઢ, જૂનાગઢ જિલ્લા સહિત ગુજરાતમાં કોરોનાની બીજી લહેરનું સંક્રમણ ઘટ્યું છે, પરંતુ કોરોનાએ વિદાય લીધી નથી. આ સાથે ત્રીજી લહે૨ની સંભાવના પણ તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા મેળાવડા, ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી માટે છૂટ છાટ આપવામાં આવી નથી. ત્યારે જૂનાગઢ જિલ્લાના જુદા જુદા ધાર્મીક સ્થળોએ આગામી અષાઢી બીજની સાદાગી પૂર્વક ઉજવણી કરાશે.ભેસાણના પ્રખ્યાત પરબ ધામ ખાતે દર વર્ષે અષાઢી બીજે ત્રણ દિવસનો મેળો યોજાય છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ આ વર્ષે ઉજવણી બંધ રાખવામાં આવી છે. માત્ર પૂજન, અર્ચન, ધ્વજારોહણ જેવા ધાર્મીક કાર્યક્રમ યોજાશે તેમ પરબના મહંત કરશનદાસબાપુએ જાહેરાત કરી છે. જૂનાગઢના મજેવડી ખાતે દેવતણખી દાદાની જગ્યામાં પરંપરાગત અષાઢી બીજની ઉજવણી, શોભાયાત્રામાં હજારો ભાવિકો ઉમટી પડે છે, પરંતુ આ વર્ષે આયોજકો દ્વારા સાદાઈથી ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. તોરણિયામાં મહંત રાજેન્દ્રદાસબાપુની નિશ્રામાં અષાઢી બીજે મંદિરને રોશનીથી સુશોભિત કરવામાં આવે છે. હજારો ભાવિકો ઉપસ્થિતિમાં ભજન અને ભોજનની રમઝટ બોલે છે. કેશોદના બાલાગામમાં દાસારામબાપાના મંદિરે પણ અષાઢી બીજ ઉજવાય છે. આજથી સવા ચારસો વર્ષ પહેલાં સગર સંત શિરોમણી દાસારામબાપાએ પાઘડી, માળા કૂવા કાંઠે મૂકી જળ સમાધિ લીધી હતી. બાદ સ્થળે બાપાએ ભાવિકોને દર્શન આપ્યા હતા. બાલાગામમાં સમસ્ત સગર સમાજ અને ગતગંગા સમાજ સગર દ્વારા અષાઢી બીજની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. તેમાં પણ ભોજન અને ભજનની રમઝટ બોલે છે. આ દિવસે બાપાની પાઘડી અને માળાનાં દર્શન ભાવિકો માટે ખુલ્લા મૂક્વામાં આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે અષાઢી બીજની સાદાઈથી ઉજવણી કરવામાં આવશે. જગ્યાના મહંત ભગવાનજી ભગતે જણાવ્યું છે કે, અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ એટલે કે તા.૧૧ મીએ રાત્રે સૂર શ્યામ મંડળી ટીકરના જગાભાઈ આહીર અને તેની ટીમ દ્વારા કાન ગોપીનો કાર્યક્રમ યોજાશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution