અરવલ્લી,તા.૨૦ 

પહેલી રાખી દેશ પ્રેમકીના સૂત્ર સાર્થક કરી મા ભોમની રક્ષા કરનારા વીર સૈનિકો માટે રક્ષાબંધનના પવિત્ર તહેવારમાં ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક રાખડી મોકલાવી દેશના જવાનોની રક્ષાની પ્રાર્થના સાથે રક્ષાબંધનનો અનોખો તહેવાર ઉજવવામાં આવશે. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા સરહદ પર ફરજ બજાવતા જવાનોનું સન્માન અને તેમનો આભાર વ્યક્ત કરવા રાજ્યના ૧૮૫૪૪ ગામની બહેનો દ્વારા પહેલી રાખી દેશ પ્રેમકી માટે એક નાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના તાલુકા અને શહેરના સંયોજક મિત્રો દ્વારા અને ઝોન સંયોજક બિપીન ઓઝા,વાલી દિપકભાઈ પટેલ,જિલ્લા સંયોજક મંથનભાઇના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લાના દરેક ગામમાંથી અને શહેરના દરેક વોર્ડમાંથી દેશના જવાનો માટે રીટાયર્ડ આર્મી જવાનોના હસ્તે બહેનો દ્વારા રાખડી એકત્રિત કરી રહ્યા છે. આ અનોખા અને નાના કાર્યક્રમને દરેક બહેનો ખૂબ આવકાર આપી રહ્યા છે.