ગાંધીનગર-

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 1 માર્ચના રોજ શરૂ થશે. 1 એપ્રિલ સુધી બજેટ સત્ર કાર્યરત રહેશે. માર્ચ મહિનામાં વધુ પડતી રજા આવતી હોવાના કારણે શનિવારે પણ બજેટ સત્ર કાર્યરત કરવામાં આવશે. આમ એક મહિના સુધી ગુજરાત સરકારનું વિધાનસભા બજેટ સત્ર ચાલશે. ચોમાસા સત્રમાં જે રીતે ગુજરાત વિધાનસભાની અંદર સોશિયલ ડિસ્ટન્સ સાથેની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી, તેવી જ બેઠક વ્યવસ્થા હવે બજેટ સત્રમાં પણ કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે વિધાનસભામાં એક ધારાસભ્યની બેઠક વ્યવસ્થા ગોઠવવા પાછળ એક લાખનો ખર્ચ થઈ ગયો હોવાનું પણ સામે આવ્યું છે. આ માટે ધારાસભ્યોને ગેલેરીમાં બેસાડવા લોખંડનું પ્લેટફોર્મ પણ તૈયાર કરવામાં આવ્યું છે. આમ ધારાસભ્યોને આરામ યુક્ત બેઠક મળે તે માટે ગૃહ અને ફેશન ગેલેરી વચ્ચે લોખંડનું પ્લેટફોર્મ તૈયાર કરીને ચાર ગેલેરીનો સમાવેશ ગૃહમાં કરાયો છે. ગેલેરીમાં ધારાસભ્યો માટે પણ ગૃહમાં છે તેવી જ નવી બેન્ચની માઈક સાથેની સુવિધા ઉભી કરાઈ છે.

1 માર્ચના રોજ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. બજેટ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલનું પ્રવચન અને પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલ અને માધવસિંહ સોલંકી તથા પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. જ્યારે બીજી માર્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ હોવાથી રજા રાખવામાં આવી છે. ત્યારબાદ 3 જી માર્ચના રોજ નાણા પ્રધાન નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે.