અમદાવાદ,તા.૨૮ 

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના કૌભાંડમાં વધુ એક પૂર્વ અધિકારીનું નામ સામે આવ્યું છે. તાપી વ્યારા જમીન વિકાસ નિગમ કચેરીના તત્કાલીન મદદનીશ નિયામક કૃષ્ણકુમાર ઉપાધ્યાય પાસેથી એન્ટી કરપ્શન બ્યુરોએ ૪.૧૨ કરોડની અપ્રમાણસર મિલકત શોધી કાઢી છે.

પૂર્વ મદદનીશ નિયામક સામે ખેત તલાવડી, સિમ તલાવડી, પાણીના ટાંકા બનાવવાની કામગીરીમાં ગેરરીતિ આચરાઇ હોવાના ૨૦૧૮માં ૧૪ ગુના દાખલ થયા હતા. કૃષ્ણકુમાર અને પરિવારજનોના બેન્ક એકાઉન્ટ સહિતની તપાસ બાદ એસીબીને તેમની કાયદેસરની આવક સામે ૮૪.૪૬ % આવક અપ્રમાણસર મળી આવી હતી. જે હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચારથી મેળવ્યા હોવાનું જણાતા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના અધિકારીઓ દ્વારા થયેલા ભ્રષ્ટાચારની તપાસમાં અત્યાર સુધી એસીબી એ ૮ અધિકારીઓની ૧૮.૬૪ કરોડની અપ્રમાણસર મિલકત શોધી કાઢી તપાસ ચાલી રહી છે. ત્યારે વધુ એક અધિકારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેમની પાસેથી પણ કરોડોની મિલકત મળી આવી છે.