મધરાતે ધારાસભ્ય અંબરીશ ડેર અને વેપારીઓએ બેઠક બોલાવી
20, નવેમ્બર 2021

અમરેલી, અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા શહેરના છતડીયા રોડ પર આવેલા ક્રિષ્ના જવેલર્સના સોની વેપારી દુકાન ખોલે તે પહેલા ૨ શખ્સે બાઇક લઈ આવી રેકી કરી હતી અને સોની વેપારી જેવા દુકાને પહોંચ્યા ત્યારે તેમની આંખમાં મરચું નાખી વેપારી પાસેથી દાગીનાની બેગ લૂંટવાનો પ્રયાસ કરાયો હતો. જાે કે આ વેપારીએ તેમનો હિંમતભેર સામનો કરી ઝપાઝપી કરતાં નજીકના અન્ય લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને લૂંટનો પ્રયાસ નિષ્ફળ બન્યો હતો. જાે કે આ ઘટના બાદ લૂંટારુંઓ નાસી છૂટ્યા હતા. ત્યારબાદ શહેરના વેપારીઓમાં આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. જેના પગલે ગઈ કાલે ગુરૂવારે રાતે રાજુલા નગરપાલિકા પ્રમુખ સહિત ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા ધર્મશાળા ખાતે વેપારીઓ અને સર્વપક્ષી બેઠક બોલાવાઈ હતી. જેમાં ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં ચોરી તેમજ લૂંટના પ્રયાસની વધતી ઘટનાઓ અટકાવવા બાબતે ચર્ચા વિચારણા કરાઈ હતી. આ ઉપરાંત શહેરમાં સીસીટીવી લગાવવા માટે પણ ચર્ચા કરાઈ હતી. આ ઉપરાંત સુરક્ષિત રહેવા માટે પણ ચર્ચા વિચારણા કરાઈ હતી. ઘરફોડ ચોરીઓના પગલે બનેલા ત્રણથી ચાર ચોરીના બનાવમાં માત્ર ૧ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે, ત્યારે બધાએ એક થઈ આગળ આવવું પડશે એવી ચર્ચાઓ કરાઈ હતી. બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર, નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત જાેશી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બકુલ વોરા, માર્કેટીંગ યાર્ડના પૂર્વ પ્રમુખ ભાજપ અગ્રણી જીજ્ઞેશ પટેલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

છતડીયા રોડના વેપારી મનીષ વાળાએ કહ્યું હતું કે ઘરફોડ ચોરીની સતત ઘટનાઓ બને છે અને આજે તો લૂંટના પ્રયાસની ઘટના બની હતી. જેથી ઘરફોડ ચોરી અને લૂંટના પ્રયાસની ઘટનાના મૂળ સુધી પ્રશાસન પહોંચે અને યોગ્ય કાર્યવાહી થાય તેવી ભાવના બધા વેપારી વતી તેમણે વ્યક્ત કરી હતી. આ બનાવને પગલે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરે કહ્યું હતું કે મંદી, બેરોજગારી તેમજ મોંઘવારીના કારણે ગુજરાતની અંદર ચોરી, લૂંટ, ધાડના બનાવ બને છે તેવી જ ઘટના રાજુલા શહેરમાં બની છે, જેમાં ૨ વેપારીઓને છરી વાગી છે. ત્યારે ગુજરાત સરકારનો મંજુર થયેલો વિશ્વાસ પ્રોજેક્ટ પાસ કરવામાં નહિ આવે તો લોકો સાથે મળી અમે ૩૦ દિવસની અંદર મોટાભાગે સીસીટીવી કેમેરા લગાવીશું તેવું આ બેઠકમાં નક્કી થયું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution