અટલ બ્રિજ નાગરિકો માટે પહેલી પસંદ બન્યો  દસ લાખથી વધુ સહેલાણીઓ આવ્યા
30, નવેમ્બર 2022

અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાબરમતી નદીના પશ્ચિમ કાંઠાને પૂર્વ કાંઠા સાથે જાેડનારો આઇકોનિક ફૂટઓવરબ્રિજ એટલે અટલબ્રિજનું તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૨એ ઉદ્‌ઘાટન કરાયું હતું. અટલબ્રિજને તેના ઉદ્‌ઘાટન બાદ બે દિવસ માટે લોકો માટે ખુલ્લો મુકાયો હતો, જાેકે તે દરમિયાન પાન-મસાલાના અનેક વ્યસનીઓએ ઠેરઠેર પિચકારી મારીને અટલબ્રિજની નયનરમ્યતાને ડાઘ લગાડતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ ૩૧ ઓગસ્ટથી અટલબ્રિજનો લહાવો લેવા માટે ટિકિટના દર નક્કી કર્યા છે એટલે અટલબ્રિજની લટાર મારવા માટે હવે પુખ્ત વયના લોકો માટે રૂ. ૩૦ અને ૧૨ વર્ષથી વધુ વયનાં બાળકો માટે રૂ. ૧૫ એન્ટ્રી ફી રખાઈ છે. તમામ મુલાકાતીઓને અટલબ્રિજ માટે તંત્ર દ્વારા ૩૦ મિનિટ ફાળવાઈ છે, તેમ છતાં આ અટલબ્રિજે લોકોમાં ભારે ઘેલું લગાડ્યું છે. એક પ્રકારે અટલબ્રિજ મ્યુનિ.નો કમાઉ દીકરો પુરવાર થયો છે, કેમ કે અત્યાર સુધીમાં અટલબ્રિજની એન્ટ્રી ફીથી મ્યુનિ. તિજાેરીમાં રૂ. ૩.૧૦ કરોડથી વધુ નાણાં ઠલવાઈ ચૂક્યાં છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા રૂ. ૭૪ કરોડના ખર્ચે આઇકોનિક અટલબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેની ડિઝાઇનમાં ગુજરાતના પતંગોત્સવને સાંકળી લેવાયો છે. દેશમાં પ્રથમ એવા આ ફૂટઓવરબ્રિજનું વજન ૨૧૦૦ ટન છે અને તેમાં આરસીસીનું ફ્લોરિંગ હોઈ સ્ટેનલેસ સ્ટીલ તેમજ ગ્લાસની રેલિંગ બનાવવામાં આવી છે. અટલબ્રિજની એન્ટ્રી ફી રૂ. ૩૦ હોવા છતાં અમદાવાદીઓએ તેને પહેલા દિવસથી એટલે કે ૩૧ ઓગસ્ટથી ઊમળકાથી વધાવી લીધો છે. તે દિવસે ૧૭,૬૨૯ મુલાકાતીઓ અટલબ્રિજ નિહાળવા આવ્યા હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution