અમદાવાદ આમ તો કોલેજાેમાં અને તે પણ મેડીકલ કોલેજ કે પ્રતિષ્ઠિત કોલેજાેમાં રેગિંગની ઘટના બનતી હોય છે. પરંતુ હવે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળક સાથે રેગિંગની ઘટના સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી કેન્દ્રીય વિદ્યાલય વિવાદમાં આવી છે. અહીં અભ્યાસ કરતા એક બાળક સાથે રેગિંગની ઘટના થઈ હોવાના આરોપ લાગ્યા છે. આ મામલે બાળકના માતા પિતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. જાેકે આ ઘટના બાદ હવે શાળા અને પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. અમદાવાદના વસ્ત્રાપુરની ઇસરો કોલોની ખાતે આવેલી કેન્દ્રીય વિદ્યાલય વિવાદમાં આવી છે. શાળામાં ૨૦ એપ્રિલના રોજ શિક્ષકો ફેરવેલ કાર્યક્રમમાં વ્યસ્ત હતા. તે દરમિયાન ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓ દ્વારા બળજબરીપૂર્વક ધોરણ ૯ માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને ખેંચીને બાથરૂમમાં લઇ જવાયો હતો. જ્યાં વિદ્યાર્થીને જબરદસ્તી યુરીન પીવડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાે કે, વિદ્યાર્થી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. વિદ્યાર્થીને આ ઘટના અંગે કોઈને જાણ ન કરવા કહ્યું હતું અને સાથે મારવાની પણ ધમકી આપી હતી. જાે કે, આ ઘટના બાદ વિદ્યાર્થી ડિપ્રેશનમાં આવી ગયો હતો. જ્યારે વિદ્યાર્થીના વાલીને આ ધટના અંગે જાણ થતા તેમણે શાળામાં રજૂઆત કરી હતી. પરંતુ રેગિંગના આ પ્રયાસથી સ્કૂલ અવગત હોવા છતાં દોષિત વિદ્યાર્થી સામે કોઈ પગલાં ના લેવાતા વિદ્યાર્થીના વાલીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. ૨૦ એપ્રિલે બનેલા આ બનાવ અંગે અરજી થતા વસ્ત્રાપુર પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ શરૂ કરી છે.