વડોદરા : ખોટા દસ્તાવેજાેના આધારે બેન્ક ઓફ બરોડામાંથી મોટી મોટી રકમની લૉન આપવાના ચાલતા કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા શાખા મેનેજરને અદાલત સમક્ષ રજૂ કરાતાં જેલભેગો કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. કોરોનાની ગાઈડલાઈન મુજબ એનો કોરોનાનો ટેસ્ટ કરાવ્યા બાદ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.

બોગસ દસ્તાવેજાેના આધારે બેન્ક ઓફ બરોડામાંથી મોટી મોટી રકમની લૉન મેળવવાના ચાલતા કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા આજે એક તત્કાલીન બ્રાન્ચ મેનેજરની સયાજીગંજ ખાતે ધરપકડ કરવામાં આવી હતી. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાની દુણિયા બ્રાન્ચમાં ૨૦૧૬માં અપાયેલી રૂા.૧ કરોડની લૉન બેન્કના બ્રાન્ચ મેનેજર, પેનલ વેલ્યુઅરથી માંડી લૉન લેનાર જામીનદાર અને લૉન કન્સલ્ટન્ટ સામે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની ઈકોનોમી વીંગમાં એફઆઈઆર નોંધાઈ હતી.

સીઆઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ બેન્ક ઓફ બરોડાના ઉચ્ચ સત્તાવાળાઓ દ્વારા હાલોલ તાલુકાની દુણિયા બ્રાન્ચમાં થયેલા લૉન કૌભાંડની વિગતો આપવામાં આવી હતી, જેની તપાસ દરમિયાન આ કૌભાંડમાં ૬ ઈસમોની સંડોવણી બહાર આવતાં એમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. વર્ષ ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન આચરવામાં આવેલા આ કૌભાંડમાં સિદ્ધાર્થ સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝના પ્રોપરાઈટર શંકરભાઈ અનોપસિંહ પરમારે બેન્ક ઓફ બરોડાની દુણિયા શાખામાં કારખાનું નાખવા માટે લૉનની અરજી કરી હતી. જેમાં ૨૮ લાખ પ્રોજેકટ લૉન અને કેસ ક્રેટિડના ૭૦ લાખ રૂપિયા બેન્ક દ્વારા મંજૂર કરી આપી દેવાયા હતા.

એ સમયે બેન્કના બ્રાન્ચ મેનેજર હુકુમચંદ ભગવાનદાસ મલાઈયાએ લૉન માટે આપેલા કાગળોની મેનેજરે પ્રાથમિક તપાસ પણ કર્યા વગર લૉનની રકમ મંજૂર કરી એમના ખાતામાં ૨૮ લાખ રૂપિયા આપી દીધા હતા. ખરેખર તો જે જગ્યા ઉપર એટલે કે રેવન્યૂ સર્વે નંબર નાંદરખા, તા.કાલોલમાં ફેકટરી ઊભી થનાર હતી એ જમીન ખેતીની જમીન હતી, તેમ છતાં એની ઉપર લૉન આપી દેવાઈ હતી જે નિયમોની વિરુદ્ધ હતી. આ મામલામાં સંડોવાયેલા મેનેજરે આવી બીજી કેટલીય લૉન આપી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે હાલોલમાં વસાવેલી કરોડો રૂપિયાની મિલકતો અંગે પણ તપાસ કરવામાં આવશે એવી માહિતી પ્રાપ્ત થઈ છે.