બરોડા સેન્ટ્રલ કો. ઓપરેટિવ બેંકમાં દોઢ દાયકાના એકહથ્થુ શાસનનો અંત
09, જુન 2023

વડોદરા, તા.૮

વડોદરા જિલ્લા સહકારી સેત્રની સૌથી મોટી ધી બરોડા સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંકમાં આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ તરીકે રાજુ પટેલ અને ઉપપ્રમુખ તરીકે હેમરાજસિહ મહારાઉલ બિનહરીફ ચૂટાઇ આવ્યા છે. આમ વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં ભાજપા દ્વારા બરોડા ડેરી બાદ બરોડા સેન્ટ્રલ કો.બેન્કના ચેરમેન અને વાઇસ ચેરમેન પણ બદલાતા સહકારી ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો હતો.

વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં મહત્વની મનાતી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કમાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે. બેંકમાં છેલ્લાત્રણ ટર્મથી ચૂંટાતા ચેરમેન અતુલ પટેલ અને વાઇસ ચેરમેન અજીત પટેલની આ વખતની પાંચ વર્ષની ટર્મમાંથી અઢી વર્ષની પહેલી ટર્મ પૂરી થતાં બીજી ટર્મ માટે આજે ઔપચારિક ચૂંટણી યોજાઈ હતી.

ભાજપે સહકારી ક્ષેત્રમાં પણ મેન્ડેટ પ્રથા ચાલુ કરી છે.ત્યારે બેન્કની બોર્ડ મીટીંગ પૂર્વે પ્રદેશના પ્રતિનિધિએ મેન્ડેટ આપ્યો ત્યારે બંને હોદ્દેદારોની જગ્યાએ નવા હોદ્દેદારોના નામો જાહેર કરાયા હતા. જેમાં પ્રમુખ પદે સાવલી એપીએમસીના ડિરેક્ટર રાજુભાઈ પટેલ ( રાજુ ખાખરીયા) અને વાઇસ ચેરમેન તરીકે બોડેલી એપીએમસીના ડિરેક્ટર શિવરાજસિંહ ઉર્ફે શિવુ મહારાઉલજીના નામ મુકાયા હતા. આમ, બરોડા સેન્ટ્રલ બેન્કને ખોટમાંથી બહાર લાવી નકો કરતી સંસ્થા બનાવનાર બંને હોદ્દેદારો બદલાતા સહકારી ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો હતો.આમ જિલ્લાની બન્ને મહત્વની સહકારી સંસ્થા બરોડા ડેરી બાદ બરોડા સેન્ટ્રલ કો,બેન્કમાં પણ બન્ને હોદ્દેદારોને બદલવામાં આવ્યા હતા.

પ્રદેશ ભાજપના પ્રતિનિઘીએ મેનેડેટ આપ્યા બાદ આજે બરોડા ડેરી ખાતે સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેન્ક ખાતે નવા પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી માટે ડિરેક્ટરોની બેઠક મળી હતી. ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં પ્રમુખ. તરીકે રાજુ પટેલ અને ઉપપ્રમુખ તરીકે હેમરાજસિહ મહારાઉલનુ નામ રજુ થતાં સર્વાનુમતે તેઓના નામને મંજુરી આપવામાં આવી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution