શેકાવા માટે તૈયાર રહેજો: ગુજરાતમાં ગરમીનો પારો 40 ડિગ્રી આસપાસ પહોંચશે
09, માર્ચ 2021

ગાંધીનગર-

રાજ્યમાં ધીમે ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે. રાજ્યનાં ૧૪ શહેરોમાં ગરમીનો પારો ૩૫ ડીગ્રીને પાર પહોંચી ગયો છે. આગામી દિવસોમાં હજુ પણ ગરમીનો પારો વધુ ઊંચકાય એવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં માર્ચથી મે મહિના સુધી તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. બીજી તરફ, રાજ્યમાં માર્ચ મહિનાની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. રાજ્યનાં શહેરોમાં ગરમીના પારાની વાત કરીએ તો અમદાવાદમાં ગરમીનો પારો ૩૭.૫ ડીગ્રીએ પહોંચ્યો હતો.

તો ગાંધીનગરમાં ગરમીનો પારો ૩૬.૮ ડીગ્રી સુધી પહોંચ્યો હતો. ડીસામાં ૩૬.૪ ડીગ્રી, વલ્લભવિદ્યાનગરમાં ૩૬.૭ ડીગ્રી, વડોદરામાં ૩૬.૬ ડીગ્રી, સુરતમાં ૩૫.૫ ડીગ્રી, અમરેલીમાં ૩૭.૮ ડીગ્રી, ભાવનગરમાં ૩૫.૨ ડીગ્રી, રાજકોટમાં ૩૭.૬ ડીગ્રી સુરેન્દ્રનગરમાં ૩૭.૮ ડીગ્રી, મહુવામાં ૩૫.૬ ડીગ્રી, કેશોદમાં ૩૫.૨ ડીગ્રી, ભુજમાં ૩૫ ડીગ્રી નોંધાયું હતું. માર્ચની શરૂઆતની સાથે જ અમદાવાદ સહિતનાં શહેરમાં ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હાલમાં સવારના સમયે શિયાળા જેવી ગુલાબી ઠંડી અને બપોરના સમયે ગરમી એમ બવેડી ઋતુની અહેસાસ થઈ રહ્યો છે. આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં તો અતિ વૃષ્ટિ જેવી હાલત હતી. હવે હવામાન વિભાગે ઉનાળાને લઈને આ વખતે વધારે ગરમી પડવાનું પૂર્વાનુમાન કર્યું છે ત્યારે લોકોએ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું રહેવું પડશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution